છોટા ઉદેપુર જિલ્લાના હાઈવેના મોટાભાગના પુલ ખૂબ જ જૂના છે, જેમાંના કેટલાક પુલ લગભગ 50 વર્ષ કરતા પણ જુના છે, જેની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. ગત ચોમાસામાં શિહોદ ભારજ નદી પરનો પુલ તુટી જતાં જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને જિલ્લાની જનતાને દરરોજ ફરીને ઘરે જવાનો વારો આવી રહ્યો છે.
જિલ્લાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી
જેને લઈને જિલ્લાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે હવે વધુ એક પુલના પિલ્લર જર્જરિત બન્યા છે અને તેના પિલર પણ જમીનથી છૂટા પડી રહ્યા હોવાનું દેખાય રહ્યું છે. છોટા ઉદેપુરથી કવાંટને જોડતો જિલ્લા પંચાયત કચેરીની બાજુમાં આવેલી ઓરસંગ નદી પરનો પુલ અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પુલના પોપળા પણ ખરી રહ્યા છે. ત્યારે આ પુલનો જિલ્લા પંચાયત કચેરી તરફનો 9 નંબરનો પિલર જમીનથી છૂટો પડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પિલરની નીચે મોટો પથ્થર જમીનમાંથી બહાર આવ્યો હોવાથી પિલર જમીનથી છૂટો પડતો હોય તેવું લાગી રહ્યું છે.
ભારજ નદીનો પુલ તુટી જતાં લોકોને મુશ્કેલી
આ પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જો આ પુલ તુટી જાય તો જિલ્લાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભારજ નદીનો પુલ તુટી જતાં લોકો હાડમારી ભોગવી રહ્યા છે અને બીજી બાજુ છોટા ઉદેપુર કવાંટ રોડ પરનો પુલનો પિલર જમીનથી છૂટો પડી જાય તેવું જણાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
વહીવટીતંત્ર આ પુલ અંગે શું કાર્યવાહી કરશે તે સવાલ?
છોટા ઉદેપુર કવાંટ રોડ પરનો ઓરસંગ નદીનો પુલ તુટી જાય ત્યારે લોકોને લગભગ 25 કરતા પણ વધારે કિલોમીટર ફરીને છોટા ઉદેપુર જવાની ફરજ પડશે, જેને લઈને જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો છોટા ઉદેપુર કવાંટ પુલ જર્જરિત થતાં અને તેનો એક પિલર જમીનથી છૂટો પડી રહ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, જેને લઈને જિલ્લાની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર આ પુલ અંગે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.