સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર સ્ટેટ હાઇવે પર આવેલ ડોલગઢ ગામ નજીક એક અત્યંત ગમખ્વાર અને સનસનાટીભર્યો અકસ્માત સર્જાયો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા અને સુગમતા માટે તંત્ર દ્વારા હિંમતનગરથી ખેરોજ સુધીનો હાઇવે વન-વે કરવામાં આવ્યો છે, જેમાં એક માર્ગ માત્ર પદયાત્રીઓ માટે અને બીજો માર્ગ વાહનો માટે ફાળવાયો છે. તેમ છતાં, ડોલગઢ નજીક એક સ્કોર્પિયો કાર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પદયાત્રીઓ માટે અનામત રસ્તા પર વાહન ઘૂસાડી દીધું હતું.
સ્કોર્પિયો ચાલકે રોડ પરથી ચાલીને જઈ રહેલા આઠ જેટલા પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં આઠેય પદયાત્રીઓને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો અને અન્ય પદયાત્રીઓ મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પદયાત્રીઓને કચડી નાખવાની આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષિત માર્ગ પર ચાલી રહ્યા હોવા છતાં અકસ્માતનો ભોગ બનવું પડતાં અન્ય પદયાત્રીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા પદયાત્રીઓએ વાહન ચાલક અને સ્કોર્પિયો ગાડી સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને સ્કોર્પિયો કારને આગને હવાલે કરી દીધી હતી. જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી.
બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પદયાત્રીઓ માટે રોડ બંધ રાખવામાં આવ્યો હોવા છતાં અને માત્ર પદયાત્રીઓ જ ચાલી રહ્યા હતા તેવા માર્ગ પર સ્કોર્પિયો ક્યાંથી અને કેવી રીતે અંદર પ્રવેશી? તે બાબત હાલ પોલીસ અને તંત્ર માટે ચિંતાનો અને મોટા સવાલનો વિષય બની છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.