Surat News : 30 વર્ષથી ISROને સિરામિક કોમ્પોનેન્ટ્સ પૂરાં પાડે છે સુરતની હિમસન કંપની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારત માટે ૨૩મી ઑગસ્ટ, ૨૦૨૩નો દિવસ માત્ર તારીખ નહીં, પરંતુ ઇતિહાસનું માઈલસ્ટોન સાબિત થયો. ચંદ્ર પર ઉતરનાર ભારત વિશ્વનો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં ઉતરનાર સૌપ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણ માત્ર અવકાશયાત્રાનો પડાવ નહીં, પરંતુ ‘નયા ભારત’ની યાત્રાની ગૌરવમય ઝાંખી છે. આ સિદ્ધિને સન્માન આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૨૩ ઑગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે ઘોષિત કર્યો હતો.
માનવયુક્ત ગગનયાન સુધી પહોંચવાનું સપનું સાકાર
દર વર્ષે આ દિવસ ભારતની વૈજ્ઞાનિક શક્તિ, ટેક્નોલોજીકલ પ્રગતિ અને યુવા પેઢીના સપનાઓને પાંખો આપતો અવસર બને છે. આ વર્ષે ઉજવણીનું મુખ્ય સૂત્ર છે– “આર્યભટ્ટથી ગગનયાન સુધી: વિકસિત ભારત ૨૦૪૭ માટે અવકાશ ટેકનોલોજી અને તેનો ઉપયોગ”, જે યાદ અપાવે છે કે ભારતનું અવકાશ અભિયાન માત્ર ચંદ્ર સુધી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં માનવયુક્ત ગગનયાન સુધી પહોંચવાનું સપનું સાકાર કરવાની ઈચ્છાશક્તિ પણ છે.
ભારતના ચંદ્રયાન મિશનની આ સફળતા પાછળ સુરત શહેરનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે
સુરતની ‘હિમસન ઇન્ડસ્ટ્રીયલ સિરામિક્સ’ કંપની છેલ્લા ૩૦ વર્ષથી ISRO માટે અગત્યના સિરામિક કોમ્પોનન્ટ્સ સપ્લાય કરે છે. ખાસ કરીને “સ્ક્વિબ્સ (Squibs)” નામના ફાયર-પ્રૂફ સિરામિક ભાગો બનાવે છે, જે ચંદ્રયાન-૨ અને ચંદ્રયાન-૩ બંનેમાં વપરાયા હતા. સ્ક્વિબ્સ ૩,૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધીની ભારે ગરમીમાં પણ ન ઓગળે તેવી ક્ષમતા ધરાવે છે. પાંડેસરા GIDC માં આવેલી આ કંપની ૪૦ વર્ષ જૂની છે અને ૧૯૯૪ થી સેટેલાઈટ અને સ્પેસશીપમાં જરૂરી સિરામિક સ્પેરપાર્ટ બનાવીને ઈસરોને સપ્લાય કરે છે.
સ્ક્વિબ્સ શું છે અને તેનો રોલ શું છે?
ચંદ્રયાન જેવા અવકાશયાનને જ્યારે લોન્ચ કરવામાં આવે છે ત્યારે તેની નીચેના ભાગમાં એક વિશાળ વિસ્ફોટ (blast) થાય છે. આ વિસ્ફોટથી ઉત્પન્ન થતી ભયાનક ગરમી વાયરિંગને બાળીને નષ્ટ કરી શકે છે. આ સમયે સ્ક્વિબ્સ એક અગત્યની ભૂમિકા નિભાવે છે, તે ઇન્સ્ટોલેશન અને ઇગ્નિશન પ્રક્રિયામાં રક્ષણ આપે છે. એટલે જ ISRO માટે આ કોમ્પોનેન્ટનું ખૂબ મહત્વ છે.
ટેકનોલોજી, ઇનોવેશન અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રોમાં પણ આગવું પ્રદાન આપવા સજ્જ
આમ તો સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ આ ચંદ્રયાન મિશનમાં પણ સુરતનું નાનકડું યોગદાન સાબિત કરે છે કે સુરત માત્ર હીરા અને કાપડ સુધી સીમિત નથી. તે ટેકનોલોજી, ઇનોવેશન અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રોમાં પણ આગવું પ્રદાન આપવા સજ્જ છે. ભારતની આ અવકાશ સફળતા માત્ર વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક નથી, પણ તેમાં દેશના ખૂણે-ખૂણેથી આવી પોતાની પ્રતિભાના બળે ઈસરોમાં કાર્યરત વૈજ્ઞાનિકો, સમગ્ર દેશના વિવિધ શહેરો અને ઉદ્યોગોના યોગદાનની કહાની સમાયેલી છે. ચંદ્રયાન મિશનની સફરમાં પણ આ શહેર પણ સહભાગી બન્યું છે.
What's Your Reaction?






