સુરતમાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં અલગ અલગ કંપનીની ડુપ્લિકેટ બનાવટી કૉસ્મેટિક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરતા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 24.31 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કાપોદ્રા સ્થિત ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં રેડ
સુરત શહેરમાં કાપોદ્રા પોલીસની ટીમે અને LCB શાખા ઝોન-1ની ટીમે સંયુક્ત રેડ કરી હતી. પોલીસે કાપોદ્રા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે ખાતામાં રેડ કરી હતી જ્યાંથી પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 24,31,158 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આકાશ સુરેશ ગોયાણી, હિરેન વિનુ ભેસાણીયા અને જય મહેશ મૂંગરાને ઝડપી પાડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
કાપોદ્રામાં બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ કૉસ્મેટિક પ્રોડક્ટ્સના વેચાણ અંગે DCP આલોક કુમારએ જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ઝોન-1 અને કાપોદ્રા પોલીસની સંયુક્ત ટીમે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમને બાતમી મળી હતી કે, એક જગ્યાએ કોસ્મેટીક શેમ્પુ, સાબુ, ફેસ સીરમ વગેરેને ડુપ્લિકેટ બનાવીને વેચાણ કરવામાં આવે છે. પોલીસની ટીમે ત્યાં રેડ કરી ત્યારે જોયું કે ત્યાં અલગ અલગ કંપની ટેગ્સ ત્યાં પ્રિન્ટ થઈને પડેલા હતા અને તે નકલી સમાન પર ટેગ્સ લગાડીને તેનું ઓનલાઈન વેચાણ થતું હતું. પોલીસે ત્યાં જેટલો પણ સમાન હતો તે જપ્ત કર્યો હતો. જેની કિંમત 24,31,158 રૂપિયા છે અને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ એક એફઆરઆઈ દર્જ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.
DCP આલોક કુમારએ વધુમાં જણાવ્યું હતું કે,અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે અમે તેઓ માલ ક્યાંથી લાવે છે અને ક્યાં-ક્યાં વેચાણ કરે છે અને ચીટીંગ કરીને કેટલા રૂપિયા કમાયા છે, હાલ 3 આરોપીઓની અટક કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.