Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી વિધિ કરાઈ ના હોય તો માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિક્ટના આધારે લગ્નને માન્યતા મળી શકતી નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, મેરેજ સર્ટિફિકેટ એ માત્ર પહેલાથી જ વિધિવત રીતે સંપન્ન થઈ ચૂકેલી લગ્નવિધિનો પુરાવો છે. જે લગ્નમાં હિન્દુ પરંપરા પ્રમાણે યોજાતી વિધિઓ કરવામાં જ નથી આવી. આવા કિસ્સામાં માત્ર મેરેજ સર્ટિફિકેટ લગ્નને કાયદેસર બનાવી શકતું નથી. ફેમિલી કોર્ટે આ કેસમાં લગ્નને રદ કરવાનો ઈનકાર કર્યો હતો પરંતુ ગુજરાત હાઈકોર્ટે લગ્ન અમાન્ય ઠેરવીને યુવકને મેરેજ સર્ટિફિકેટ રદ કરવા માટે સક્ષમ અધિકારી પાસે જવાની પરવાનગી આપી છે.
જાણો શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર કેસ યુકેમાં રહેતા એક વ્યક્તિની અરજી સાથે જોડાયેલો છે.ફેમિલી કોર્ટે આ કેસની સુનાવણીમાં તે વ્યક્તિ અને મહિલા વચ્ચેના કથિત લગ્નને રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો.ફેમિલી કોર્ટનું એવું માનવું હતું કે,મેરેજ સર્ટિફિકેટ હોવાથી લગ્નની કાયદેસરતાનું અનુમાન લગાવી શકાય છે અને આ બાબતે સંપૂર્ણ સુનાવણી જરૂરી છે. કોર્ટના આ ચુકાદા બાદ અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.અરજી કરનાર વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે, તેની પત્ની હોવાનો દાવો કરતી મહિલા મેરેજ સર્ટિફિકેટ લઈને આવી હતી અને મારા માતા પિતા સામે મારી કાયદેસરની પત્ની હોવાનો દાવો કર્યો હતો.

મહિલાએ કોર્ટમાં લેખિતમાં શું કહ્યું
અરજદાર વ્યક્તિએ કોર્ટમાં કહ્યું હતું કે, આ મહિલા સાથે તેણે લગ્ન કર્યા નથી. તેના તેની સાથે કોઈ સંબંધ નથી અને લગ્નની કોઈ વિધિ જ યોજાઈ નથી.અરજદારે એવો પણ દાવો કર્યો હતો કે, તે આ મહિલાના પિતાની કંપનીમાં કામ કરતો હતો અને તે દરમિયાન પ્રમોશનની લાલચ આપી અથવા તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને ઠગાઈ આચરીને તેની પાસેથી લગ્નના કાગળો પર સહી કરાવવામાં આવી હતી.કોર્ટની સુનાવણીમાં મહિલાએ પણ લેખિતમાં સ્વીકાર્યું હતું કે,લગ્નની કોઈ વિધિ કે સમારંભ થયો નહોતો.બંને વચ્ચે કાયદેસરની લગ્નની વિધિ થઈ નહોતી અને તેમની વચ્ચે કોઈ સંબંધ પણ નહોતા.આ મહિલાએ લેખિતમાં સ્વીકાર્યું હોવા છતાં ફેમીલી કોર્ટે લગ્નને અમાન્ય જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો.
લગ્નનું પ્રમાણપત્ર કોઈ લગ્નને કાયદેસર હિન્દુ લગ્ન બનાવી શકતું નથી
હાઈકોર્ટમાં જસ્ટીસ ઈલેશ વોરા અને જસ્ટીસ આર.ટી. વછરાણીની ખંડપીઠ હેઠળ જ્યારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટે એવું કહ્યું હતું કે,જ્યારે મહિલાએ પોતે સ્વીકાર્યું છે કે હિન્દુ લગ્ન માટેની આવશ્યક વિધિઓ ક્યારેય કરવામાં આવી જ નથી તો બંને પક્ષોને લાંબી સુનાવણી માટે મજબૂર કરવાનું કોઈ કારણ રહેતું નથી.હિન્દુ મેરેજ એક્ટની કલમ-8 હેઠળ રજિસ્ટ્રેશન માત્ર એ લગ્નનો પુરાવો આપે છે જે પહેલેથી જ કાયદેસર રીતે સંપન્ન થયા છે.તે પોતાની મેળે પતિ-પત્નીનો કાયદેસરનો દરજ્જો આપી શકતું નથી.હાઈકોર્ટે હિન્દુ પરંપરામાં સપ્તપદીના મહત્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,ઋગ્વેદ અનુસાર સાત ડગલાં ભર્યા પછી વર અને કન્યા એકબીજાના સાથી અને મિત્ર બને છે.કોર્ટે કહ્યું કે હિન્દુ લગ્ન એક સંસ્કાર છે. લગ્ન માત્ર ગીત-સંગીત, ખાવા-પીવાનો કાર્યક્રમ કે કોઈ વ્યાવસાયિક સોદો નથી.જેના દ્વારા એક પુરુષ અને સ્ત્રી પરિવાર બનાવવા માટે જીવનભરના સમાન અને પરસ્પર સહમતીના સંબંધમાં બંધાય છે.કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી વિધિઓ વિના માત્ર લગ્નનું પ્રમાણપત્ર કોઈ લગ્નને કાયદેસર હિન્દુ લગ્ન બનાવી શકતું નથી.

આ પ્રકારના કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે
આ પ્રકારના કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ પ્રકારનો જ ચુકાદો આવ્યો હોવાની વિગતો છે. જેમાં વાત કરીએ તો 1965માં બહુપત્નીત્વ અંગેનો ભૌમરાવ શંકર લોખંડે અને મહારાષ્ટ્રની સરકાર વચ્ચેનો કેસ ખૂબ ચર્ચામાં હતો. જેમાં ભૌમરાવ શંકર લોખંડેએ તેની પ્રથમ પત્ની જીવિત હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા.તેમના પર બહુપત્નીત્વનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે આરોપીને ગુનામાંથી મુક્ત કર્યો હતો. 1971માં પ્રિયા બાલા ઘોષ અને સુરેશચંદ્ર ઘોષનો કેસ ચર્ચામાં હતો. જેમાં પ્રિયા બાલા ઘોષે તેના પતિ સુરેશચંદ્ર ઘોષ સામે કલમ 494 હેઠળ ફરિયાદ નોંધાવી હતી તેનો આરોપ હતો કે પતિએ તેની પ્રથમ પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આરોપી પતિને નિર્દોષ સાબિત કર્યો હતો. વર્ષ 2024માં ડોલી રાની અને મનીષ કુમાર ચંચલનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં દંપતીએ પરંપરાગત હિન્દુ વિધિઓ કર્યા વગર માત્ર એક સંસ્થા પાસેથી 'મેરેજ સર્ટિફિકેટ' મેળવી લીધું હતું. બાદમાં તેમની વચ્ચે વિવાદ થતા ડિવોર્સ, મેન્ટેનન્સ અને ક્રિમિનલ કેસો દાખલ થયા હતા.આ કેસમાં પણ કોર્ટે કહ્યું હતું કે, મેરેજ સર્ટિફિકેટ મેળવી લેવાથી લગ્ન કાયદેસર ગણાતા નથી.
શું આ કેસ UCC હેઠળ આવી શકે?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતા. આ એક પ્રસ્તાવિત કાયદો છે, જેનો ઉદ્દેશ્ય તમામ ધર્મો, જાતિઓ અને સમુદાયોના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક અને મિલકત જેવા અંગત બાબતો માટે એક સમાન કાયદો બનાવવાનો છે. ભારતના બંધારણના અનુચ્છેદ 44માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલમાં ભારતમાં દરેક ધર્મ માટે પોતાના અલગ પર્સનલ લો છે. UCC લાગુ થવાથી આ તમામ ધાર્મિક કાયદાઓ રદ થઈને સમગ્ર દેશમાં એક જ કાયદો લાગુ થશે. ગુજરાત વિધાનસભાએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરતું બિલ પસાર કર્યું છે, અને આ સાથે ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. તમામ ધર્મોમાં લગ્નની લઘુત્તમ વય (પુરુષો માટે 21 વર્ષ અને મહિલાઓ માટે 18 વર્ષ) સમાન રાખવામાં આવી છે. લગ્નની નોંધણી 60 દિવસમાં ફરજિયાત કરવામાં આવી છે. કોર્ટની મંજૂરી વિના છૂટાછેડા માન્ય રહેશે નહીં.રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. બંધારણીય જોગવાઈઓ અનુસાર આ કાયદો આદિજાતિ સમુદાયોને લાગુ પડશે નહીં. આ UCCનો કાયદો છે. પરંતુ જ્યારે રાજ્યમાં તેનો અમલ શરૂ થશે ત્યારે હિન્દુ મેરેજ એક્ટ 1955ની સામે એક સમાન કાયદો આવશે. પરંતું હાલમાં જોઈએ તો હિન્દુ મેરેજ એક્ટ અંગે ગુજરાત હાઈકોર્ટે આપેલો એક કેસનો ચુકાદો UCC હેઠળ આવતો નથી.
આ પણ વાંચોઃ Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

