Kutch News: પૂર્વ કચ્છ પોલીસે 43 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, શ્રીલંકા સુધી જોડાયેલા છે તાર!

Jun 10, 2026 - 16:00
Kutch News: પૂર્વ કચ્છ પોલીસે 43 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, શ્રીલંકા સુધી જોડાયેલા છે તાર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા "ઓપરેશન મ્યુલ હંટ 2.0" અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં ચાલતા બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ મામલે તપાસ દરમિયાન 105 બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 43.93 કરોડથી વધુની શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.

 ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકો ટાર્ગેટ

સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેંકોમાં બચત તથા કરંટ ખાતા ખોલાવી તે ખાતાઓ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા.

કુલ 105 બેંક ખાતાઓમાં રૂ. 43,93,80,113 જેટલી રકમ જમા

તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક મારફતે કુલ 105 બેંક ખાતાઓમાં રૂ. 43,93,80,113 જેટલી રકમ જમા થઈ હતી. આ નાણાં ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન ફ્રોડ, OLX ફ્રોડ, વોટ્સએપ APK હેકિંગ ફ્રોડ, ફેક ક્લોથિંગ વેબસાઈટ ફ્રોડ તથા AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના વિવિધ સાયબર ગુનાઓમાંથી મેળવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

કુલ 90 ફરિયાદો નોંધાઈ 

ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી કુલ 90 ફરિયાદો નોંધાઈ છે. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના અનેક રાજ્યોના ભોગ બનનારાઓના નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતી હતી માહિતી

સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાંધીધામ વિસ્તારમાંથી સંચાલિત આ નેટવર્ક દ્વારા બેંક કીટ, ઇમેઇલ આઈડી તથા પાસવર્ડ જેવી મહત્વની માહિતી કુરિયર અને વોટ્સએપ મારફતે શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતા હતી.

ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર આરોપીઓની ધરપકડ

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની સામે ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલ 7 મોબાઇલ ફોન કબ્જે કરાયા

પકડાયેલા આરોપીઓમાં દિવ્યરાજસિંહ અનિરૂદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કાર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા તથા શબ્બીર અકબર લુઠારનો સમાવેશ થાય છે. જ્યારે જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવાયું છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 7 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.

જનતાને અપીલ

સાયબર ક્રાઈમ પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ, નેટબેંકિંગ યુઝર આઈડી અથવા પાસવર્ડ કોઈપણ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપવું નહીં. આવા કૃત્યો સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા હોવા ઉપરાંત કાયદેસર ગુનો પણ બને છે.


આ પણ વાંચો - Kutch : ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ, ભુજના રેલડીમાં પોલીસ અને ધરતીપુત્રો વચ્ચે ભારે ઘર્ષણ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0