રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.૧૬-૦૨-૨૦૨૫ના રોજ યોજવા તા.૨૧-૦૧-૨૦૨૫ના રોજ કાર્યક્રમ જાહેર કરેલ છે.
કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં
તા.૨૭-૦૧-૨૦૨૫ થી તા.૦૧-૦૨- ૨૦૨૫ સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ ૭૦૩૬ ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી ૧૨૬૧ અમાન્ય તેમજ ૫૭૭૫ ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. ૪૭૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ ૨૧૩ બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં છે.જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડોની કુલ ૬૦ બેઠકો પૈકી વોર્ડ નં.૩ તથા ૧૪ (કુલ ૮ બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ ૧૫૭ ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે.
૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડ
અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૧૭ ઉમેદવારો હરીફાઇમાં છે.સામાન્ય ચૂંટણી હેઠળની ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૧૮૪૪ બેઠકો પૈકી ૧૬૭ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૧૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ ૪૩૭૪ ઉમેદવારો હરિફાઇમાં છે.
પંચમહાલની શિવરાજપુર બેઠક બિનહરીફ
મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના ૧૮ વોર્ડ પૈકી ૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૭૨ બેઠકો પૈકી ૨૩ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૪૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે ૧૦૧ ઉમેદવારો હરિફાઇમાં છે.નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની ૨૧ બેઠકો પૈકી ૨ બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.ર તથા ૫ ની બેઠક) બિનહરીફ થયેલ છે. ૧૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૪૫ ઉમેદવારો હરિફાઇમાં છે.જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯ બેઠકો પૈકી ૧ બેઠક (પંચમહાલ જિલ્લાની ૨૯-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. ૮ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૨ર ઉમેદવારો હરિફાઇમાં છે.
તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી
ગાંધીનગર, કઠલાલ તથા કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના ૭૮ મતદાર મંડળો માટે ૧૭૮ ઉમેદવારો હરિફાઇમાં છે.
તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯૧ બેઠકો પૈકી ૧૨ બેઠકો બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની ૧૨-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની ૧૬-વાઘણીયાજુના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની ૧૦-કરીયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની ૭૬ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૧૯૦ ઉમેદવારો હરિફાઇમાં છે.
સવારના 7 થી સાંજના 6 સુધી યોજાશે મતદાન
તા. ૧૬-૦૨-૨૦૨૫ના રોજ સવારે ૭.૦૦ કલાકથી ૬.૦૦ કલાક સુધી મતદાન યોજાનાર છે. સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે અનિવાર્ય સંજોગોમાં જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગે તા.૨૬-૧૧-૨૦૧૬ના આદેશ ક્રમાંક: રાચઆ-ચટણ-સ્થા.સ્વ.૨૫-૧૧૨૦૧૬-ક, થી નક્કી કરેલ ૧૪ (ચૌદ) ફોટો સાથેના દસ્તાવેજી પૂરાવો રજૂ કરી મતદાન કરી શકશે (આદેશ સામેલ ७).
નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે
જે મતદાન મથકો પર મતદાન થવાનું છે, તે પૈકી સંવેદનશીલ/ અતિસંવેદનશીલ મતદાન મથકો છે તેવા મતદાન મથકો પર મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે વધારાના પોલીસ ફોર્સ/ પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.નિયામક,નશાબંધી અને આબકારીની કચેરીના તા.૦૬-૦૨-૨૦૨૫ના પત્રથી રાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનનો સમય પૂરા થવાના કલાક સાથે પૂરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે તારીખ ૧૪-૦૨-૨૦૨૫ના સાંજના ૫.૦૦ કલાકથી તા.૧૬-૦૨- ૨૦૨૫ સાંજના ૭.૦૦ કલાક( જો પુનઃ મતદાન થાય તો તે સાહિત) તેમજ મતગણતરીનો દિવસ એટલે કે તા.૧૮-૦૨-૨૦૨૫ (આખો દિવસ) મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે “ડ્રાય ડે” જાહેર કરી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
મતદાન માટે ખાનગી કંપનનીના કર્મચારીઓને અપાશે સમય
રાજ્ય ચૂંટણી આયોગના તા.૧૭-૧૧-૨૦૨૧ના આદેશ ક્રમાંક: રાચપ-ચટણ-સીઓસી-સ્થા.સ્વ.-૧૩૮ (૧)-૧૧૨૦૨૧-ક થી આપેલ સૂચના મુજબ મતદાન બંધ કરવા માટે નિયત કરેલ કલાક સહિત પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન જાહેર સભા બોલાવવા, ભરવા તથા હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ગુજરાત રાજ્યના તા.૨૯-૦૧-૨૦૨૫ના પરિપત્રથી ચૂંટણી હેઠળના વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ ૨૦૧૯ હેઠળ મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઇ પણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચૂંટણીના દિવસ તા.૧૬-૦૨-૨૦૨૫ના રોજ ન આવતી હોય તેવા કર્મચારી/ કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/ કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/ બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને જણાવેલ છે. (કર્મચારી/ કામદારની ગેરહાજરીના કારણે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય અથવા ગેરહાજરી વ્યાપક નુકસાનમાં પરિણામે તેમ હોય એવા કોઇ મતદારને આ બાબત લાગુ પડશે નહી)
તમારી પસંદગી મૂજબ મતદાન કરો
સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સંપૂર્ણપણે ન્યાયી, મુક્ત રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી નેમ વ્યક્ત કરતા રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના મતદારોને અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરે છે. રાજ્ય ચૂંટણી આયોગ તથા જિલ્લાના વહીવટી તંત્રે સામાન્ય/મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માં મતદારો પોતાની પસંદગી મુજબ મતદાન કરી શકે તે માટે તથા શાંતિપૂર્વક, એખલાસભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્રે પૂરતી વ્યવસ્થા કરી છે ત્યારે આ લોકતાંત્રિક પર્વનાં અભિયાનમાં રાજકીય પક્ષો આગેવાનો, ઉમેદવારો, મતદારો તથા જનતા સહયોગ આપશે તેવી રાજ્ય ચૂંટણી આયોગ શ્રધ્ધા વ્યકત કરે છે.