Ahmedabad સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ: 250મા અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવજીવન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલે માનવસેવા અને અંગદાનના ક્ષેત્રમાં 250મા અંગદાનનો ગૌરવપૂર્ણ માઇલસ્ટોન પૂર્ણ કરીને નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળના અને અમદાવાદની હોટેલમાં વેઇટર તરીકે કાર્યરત 58 વર્ષીય પ્રશુન ભોમિક ઘરે બાથરૂમમાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પામ્યા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયેલા પ્રશુનભાઈને તબીબી ટીમે સઘન સારવાર બાદ 26 જુલાઈના રોજ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ મુશ્કેલ ક્ષણે હોસ્પિટલની અંગદાન ટીમના કાઉન્સેલિંગ બાદ પરિવારે માનવતાવાદી નિર્ણય લીધો હતો.
પતિના વિયોગ વચ્ચે પત્નીનો માનવતાભર્યો નિર્ણય
જીવનસાથી ગુમાવવાના અસહ્ય આઘાત વચ્ચે પણ પ્રશુન ભોમિકના પત્ની ક્ષમાબેને અત્યંત ઉદારતા દર્શાવી હતી. તેમણે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા માટે પતિના અંગોનું દાન કરવાનો શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો. આ અંગદાનથી પ્રાપ્ત થયેલ એક લીવર અને બે કિડની થકી ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન પ્રાપ્ત થશે. દાનમાં મળેલા આ અંગોનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર' (IKDRC) ખાતે સારવાર હેઠળના દર્દીઓમાં કરવામાં આવશે.
827 અંગો અને 246 પેશીઓ થકી મહાદાનની મિસાલ
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ અંગદાતા પરિવારને નમન કરી તબીબી ટીમને બિરદાવી હતી. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 250 અંગદાતાઓ પાસેથી કુલ 827 અંગો પ્રાપ્ત થયા છે, જેમાં 224 લીવર, 462 કિડની, 21 સ્વાદુપિંડ, 78 હૃદય, 34 ફેફસાં, 6 હાથ અને 2 નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 198 ચક્ષુ અને 48 ચામડી મળી કુલ 246 પેશીઓ સાથે હોસ્પિટલને અત્યાર સુધી 1073 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

