વડોદરા શહેરમાં ભગવાન ગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેકી શાંતિ ડહોળનારા આરોપીઓની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. ઝડપાયેલા 3 પૈકી એક આરોપી સગીર વયનો છે. આજે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી મંગાવી છે. સીટી પોલીસ મથક વિસ્તારમાં આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યાર બાદ સરઘસ કાઢી બંને આરોપીઓ પાસે હાથ જોડાવી માફી મંગાવી છે.
શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકી શાંતિ ડહોળવાનો પ્રયાસ
વડોદરામાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને પૂજા-અર્ચના કરાઈ. જો કે, બે દિવસ પહેલા વડોદરાનાં સંવેદનશીલ વિસ્તારમાંથી નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકી કોમી વિખવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોડી રાતે સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે આરોપીઓની ધરપકડ કરી, આજે સરઘસ કાઢી હાથ જોડી માફી મંગાવી
મામલાની ગંભીરતા સમજીને સીટી પોલીસે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વિસ્તારનાં CCTV અને હ્યુમન સોર્સિસનાં આધારે ગઈકાલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 3 પૈકી એક આરોપી સગીર વયનો છે. આજે પોલીસે આરોપી સૂફિયાન મન્સૂરી અને શાહનવાઝ કુરેશીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સાથે જ આવી ઘટના ફરી વાર ન બને અને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય તે હેતુથી સરાજાહેર સરઘસ કાઢ્યું. લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા બંને આરોપીઓએ હાથ જોડી લોકોની માફી પણ માગી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.