સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ચોટીલા તાલુકાનાં ઠીકરીયાળા ગામ ખાતે નાની સિંચાઈ યોજનાનાં કામોની સમીક્ષા કરી હતી.આ તકે મંત્રીએ નાની સિંચાઈ યોજનાનાં રિનોવેશન કામનું જાત નિરીક્ષણ કરી બાકી કામોની જાણકારી મેળવી હતી. તેમજ મંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનો પાસેથી સિંચાઈ, પીવાનાં પાણી સહિતનાં પ્રશ્નો વિશે પૃચ્છા કરી સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
અધિકારીઓ રહ્યાં હાજર
તદુપરાંત ભારે વરસાદના કારણે તળાવની આસપાસ થયેલ જમીનનું ધોવાણ તેમજ બુરાણ થયેલ જૂની કેનાલ પણ સાફ સફાઈ તેમજ જરૂરી રીપેરીંગ કરી ફરી શરૂ કરાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. તેમજ પીવાનું પાણી ગ્રામજનોને સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ત્વરિત જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા સંબધિત અધિકારીઓને સૂચિત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા મંત્રીનું હાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.મંત્રીની આ મુલાકાત દરમિયાન ગ્રામ સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, પદાધિકારી, સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.