Suratમાં કથિત પત્રકારો RTI કરી માંગતા હતા ખંડણી, પોલીસે જાહેરમાં કાઢયો વરઘોડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં આરટીઆઇની આડમાં અધિકારીઓ-બિલ્ડરોને રંઝાડી પોતાના મનસૂબા પાર પાડતા ખંડણીખોરો સામે આખરે પોલીસે કડક તેવર અપનાવ્યા છે. એક ખંડણીખોર સામે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ પોલીસે મુગલીસરા ખાતે વરઘોડો કાઢ્યો હતો. જે કચેરીમાં ખંડણીખોર આતંક મચાવતો હતો, તે સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ જઈ પોલીસે ખંડણીખોરને બરાબરનો પાઠ ભણાવી કાયદાનો ખૌફ બતાવ્યો હતો.
બે ખંડણીખોરોને ક્રાઈમ બાંચે પકડી જેલમાં ધકેલી દીધા હતા
શહેર આખામાં આરટીઆઈનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ખંડણીખોરો પાલિકાના અધિકારીઓ, બિલ્ડરોને બાનમાં લે છે. ગેરકાયદે બાંધકામ હોવાના નામે દમદાટી આપી બાંધકામ તોડાવી દેવાની ધમકી અપાઈ છે. આ રીતે બ્લેકમેલિંગ કરી લાખો રૂપિયા ખંડણી વસૂલવાના ખેલ ચાલી રહ્યા છે. શહેરના દરેક વિસ્તારોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ્સનો રાફડો ફાટયો છે. પખવાડિયા પહેલાં સચિન જીઆઈ ડીસીના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા બે ખંડણીખોરોને ક્રાઈમ બાંચે પકડી જેલમાં ધકેલી દીધા હતા.
પોલીસે ખંડણીખોરોનો સફાયો કરવાનું અભિયાન ઉપાડયું
બીજી તરફ સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આરટીઆઇના નામે ખંડણી વસૂલનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે પોલીસ કમિશ્નરથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. બિલ્ડરો પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ્સથી તોબા પોકારી ઉઠયા હતા. આખરે પોલીસ કમિશ્નરે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી નકુમને આ મામલે તપાસ સોંપી હતી અને આખરે પોલીસે ખંડણીખોરોનો સફાયો કરવાનું અભિયાન ઉપાડયું છે. જે અંતર્ગત પહેલો ગુનો લાલગેટ પોલીસમાં નોંધાયો છે.
કોર્પોરેશનનના મહિલા કર્મચારી ફરિયાદી બન્યા હતા
લાલગેટ પોલીસે મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધી એલર્ટ ન્યુઝના શેખ મો.સાકીર શબ્બીર મીયાં શેખની ધરપકડ કરી હતી. કોર્પોરેશનનના મહિલા કર્મચારી ફરિયાદી બન્યા હતા. સાકીર મહિલા કર્મી વિરૂદ્ધ એલફેલ વાતો કરી બદનામ કરતો હતો. દરમિયાન જરૂરી કાયદેસરની કાર્યવાહી આટોપ્યા બાદ એસઓજીના ડીસીપી નકુમ, પીઆઇ સોનારા, લાલગેટ પીઆઈ ચૌધરી સહિતની ટીમ સાંજના સુમારે સાકીરને રિ-કન્સ્ટ્રક્શન માટે મુગલીસરા વિસ્તારમાં લઇ ગઇ હતી.
આખા ઝોનમાં ફેરવી સ્ટાફની માફી મંગાવી
સેન્ટ્રલ ઝોનમાં અરજીઓ કરી અધિકારીઓને રંઝાડતા સાકીરને સેન્ટ્રલ ઝોનમાં જ લઇ જવાયો હતો. સેન્ટ્રલ ઝોનના ચારેય ફલોર પર લઇ જઇ ટેબલે-ટેબલે ફેરવી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતુ. ઝોનના અધિકારીઓ-કર્મચારીઓ સમક્ષ પોલીસે ખંડણીખોરને ખાખીનો ખૌફ બતાવ્યો હતો. આવા ખંડણીખોરોથી ગભરાવું નહિ. હિંમતભેર ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી પોલીસે ખંડણીખોર સાકીરને બે હાથ જોડાવી ઝોનના સ્ટાફની માફી પણ મંગાવી હતી. પોલીસે ખંડણીખોર સામે લીધેલા કડક એક્શનની પાલિકાના સ્ટાફે ભારોભાર પ્રશંસા કરી હતી
What's Your Reaction?






