Padra : પહેલાં નોરતે રણુ ખાતે તુલજા ભવાનીના મંદિરે ભક્તોનો ધસારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાદરા તાલુકાના રણુ ગામે પ્રસિદ્ધ શ્રી તુલજા ભવાની માતાજીના મંદિરે આસો નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલમાં ભવ્ય પ્રારંભ થયો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે રવિવારે વહેલી સવારથી જ હજારો માઈભક્તો માતાજીનાં દર્શનાર્થે ઊમટી પડયા હતા. મંદિરના દ્વાર ખુલતાં જ જય તુલજા ભવાની જય માં ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે મંદિરના મહંત કવિન્દ્રગીરીજી દ્વારા માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘટસ્થાપન વિધિ સાથે શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીને થાળ અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ શ્રી યંત્રની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે કતારોમાં ઊભા રહી પોતાની શ્રાદ્ધા અને ભક્તિ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને સરળતાથી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શન થઈ શકે તે માટે મહંત કવિન્દ્રગીરીજીના માર્ગદર્શન હેઠળ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં માઈભક્તો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. મંદિર વ્યવસ્થાપન મુજબ, નવરાત્રી દરમિયાન માતાજીના નિજદ્વાર દરરોજ સવારે 6 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લા રહેશે. ખાસ કરીને રવિવાર તથા મંગળવાર અને લલીતા પંચમી અને આઠમના દિવસમાં દર્શનાર્થીઓની વધુ ભીડ રહેવાની શક્યતા છે. આસો નવરાત્રીના પ્રથમ નોરતે અનેક ભક્તોએ પગપાળા યાત્રા કરીને રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે પહોંચીને ધ્વજા અર્પણ કરી હતી. ધ્વજારોહણ અને માતાજીનાં દર્શન સાથે ભક્તોએ નવરાત્રી પર્વની શરૂઆત કરી હતી. શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી દરમિયાન રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તિમય વાતાવરણ છવાયું છે. માતાજીનાં દર્શન કરીને ભક્તોએ મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

