Kutch: મુન્દ્રાના ભદ્રેશ્વરમાં મીઠાના કારખાના પર વિજિલન્સનો મધ્યરાત્રિએ દરોડો, રૂ. 1.05 કરોડનું પાવર કૌભાંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુન્દ્રાના ભદ્રેશ્વર ગામની સીમમાં મોટા પાયે ધમધમતા એક મીઠાના કારખાનામાં કરોડો રૂપિયાની વીજળી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને ચોરી છૂપીથી વાપરવામાં આવી રહી હોવાની પાકી બાતમી રાજકોટ કોર્પોરેટ વિજિલન્સ કચેરીને મળી હતી. બાતમી એટલી સંવેદનશીલ હતી કે સ્થાનિક સ્તરે માહિતી લીક ન થાય તે માટે વરિષ્ઠ અધિકારીઓએ ખાસ 'સરપ્રાઈઝ નાઈટ ચેકીંગ ડ્રાઈવ' નું આયોજન કર્યું હતું.
જુનિયર એન્જિનિયરો મોટરસાઇકલ પર સામાન્ય નાગરિક બની પહોંચ્યા
આ ગુપ્ત મિશનને અંજામ આપવા માટે વિજિલન્સની ટીમે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. કોઈ સરકારી ગાડીઓ લઈને જવાને બદલે મધ્યરાત્રિના સમયે વીજ કંપનીના કેટલાક જુનિયર ઈજનેરો સાદા વેશમાં મોટર સાયકલ પર સવાર થઈને ભદ્રેશ્વરની સીમમાં પહોંચ્યા હતા. તેઓએ કારખાનાની આસપાસ રેકી કરીને લાઈવ વીજચોરી થતી હોવાનું સ્પોટ કન્ફર્મેશન મેળવ્યું હતું. કારખાનામાં સ્થાપિત સરકારી વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધો જ વાયર જોડીને આખેઆખા મીટરને નકામું (બાયપાસ) કરી દેવાયું હતું અને 99 કિલોવોટનો અધધ લોડ ગેરકાયદેસર રીતે ખેંચવામાં આવી રહ્યો હતો. ઇજનેરોએ ગ્રીન સિગ્નલ આપતા જ હાઇવે પર વોચમાં ઉભેલા ઉચ્ચ વિજિલન્સ અધિકારીઓનો મોટો કાફલો ત્રાટક્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
બીજી વખત ગુનો નોંધાતા જેલભેગા થવાની તૈયારી
તપાસ દરમિયાન જે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે તેનાથી અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ મીઠાના કારખાનાના સંચાલકો રીઢા ગુનેગાર સાબિત થયા છે, કારણ કે આ જ પ્લાન્ટમાં અગાઉ ફેબ્રુઆરી 2025 ના વર્ષમાં પણ વિજિલન્સ ત્રાટકી હતી અને ત્યારે પણ રૂ. 80 લાખની વીજચોરી પકડી પાડી દંડ ફટકાર્યો હતો. જૂના કેસમાંથી પાઠ ભણવાના બદલે સંચાલકોએ વધુ મોટો સ્કેલ પકડીને આ વખતે 1 કરોડ 5 લાખની ચોરી આદરી દીધી હતી. હાલમાં વિજિલન્સની ટીમે ઘટનાસ્થળેથી તમામ ગેરકાયદે વાયરો અને સામગ્રી જપ્ત કરી લીધી છે અને કાયદાના કડક નિયમો અનુસાર કારખાનાના માલિકો સામે કરોડો રૂપિયાનું નવું આંકણું (બિલ) ફટકારીને વીજ ચોરીના પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ દરોડા બાદ કચ્છના અન્ય ઔદ્યોગિક એકમો અને મીઠાના કારખાનાના માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Monsoon2026: વાઘોડિયામાં રાતભર ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી, સાવલીમાં પણ મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

