Gujarat: રાજ્યની 8 મહાનગર પાલિકામાં રોડ-રસ્તાઓની મરામત, 99 ટકા કામગીરી પૂર્ણ

Jul 16, 2025 - 17:00
Gujarat: રાજ્યની 8 મહાનગર પાલિકામાં રોડ-રસ્તાઓની મરામત, 99 ટકા કામગીરી પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા પુલ અને રસ્તાઓનું સમારકામ - મરામત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીધી સૂચનાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પુર જોશમાં કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીએ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરીને કાર્યરત કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે રાજ્યની નવી અને જૂની એમ કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ 659 કિ.મીના બિસ્માર રોડમાંથી 577 કિ.મી.ના રોડની મરામત તેમજ 16,832 માંથી 16,665 ખાડા પૂરી દેવાયા છે.

55.86 કિ.મીના રસ્તાઓના પેચ વર્કના કામ પૂર્ણ

જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં યુદ્ધના ધોરણે ૯૯ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે. જૂની આઠ મહાનગરપાલિકામાં 312 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી 310.68 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરાશે. આ ઉપરાંત કુલ 55.86 કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવ્યા

રાજ્યની આ આઠ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર 15,123 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 15,004 ખાડા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૧૫,૯૮૫ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૧૪,૬૩૩ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.

વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વ્યાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે 347 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે 266 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ આગામી સમયમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 10 કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરાયા છે.

649 ફરિયાદોનો હકારાત્મક નિકાલ

રાજ્યની આ નવ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર 1,709 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 1,661 ખાડા સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 676 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 649 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરાયો છે. જ્યારે બાકીની ફરિયાદો પણ સત્વરે ઉકેલાશે.

આ ઉપરાંત રાજ્યની ભાવનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ એમ કુલ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં આવતા રસ્તાઓ પર કુલ 2,951 પોટહોલ્સ-ખાડા હતા તેમાંથી 1,878 જેટલા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે.

વધુમાં આ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૮૩૪ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૮૧૮ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવી છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે તેમ, શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો મોબાઈલ, વોટ્સ અપ, વેબસાઈટ, હેલ્પલાઈન નંબર-ટોલફ્રી નંબર, સિવિક સેન્ટર, સ્માર્ટ સીટી એપ તેમજ મહાનગરપાલિકાઓના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી ફરિયાદો નોંધાવે છે જેનો સબંધિત વિભાગ-અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0