Gandhinagar ખાતે CM ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે "23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025"નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર" થીમ સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન(SEA) દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં 15થી વધુ દેશોના 400થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા.
કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના હસ્તે સારી કૃષિ પદ્ધતિઓ દ્વારા એરંડા બીજમાં સતત ઉચ્ચ ઉત્પાદકતા માટે 4 ખેડૂતોને ' વિઠ્ઠલભાઈ જી. ઉદેશી' કેસ્ટર ઈનોવેશન એવોર્ડ તેમજ વર્ષ-2024 માટે સૌથી વધુ કેસ્ટર ઓઈલ નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર અન્ય દેશના ઉદ્યોગકારોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે.
પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગો
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહિ, પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતીક બન્યું છે. તેમણે ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેના પરિણામે કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યાં છે.મુખ્યમંત્રીએ રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને “રાજ્ય સરકાર હંમેશા તમારી પડખે છે” એમ જણાવી જરૂરી મદદ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વાવેતર લગભગ 7200થી વધુ હેક્ટરમાં થવા લાગ્યું
મુખ્યંમત્રીએ જણાવ્યું હતું કે, એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોના વેલ્યૂ એડિશન કરવા સાથે સમયને અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે. આજે વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત સિંહફાળો ધરાવતું સ્ટેટ છે.વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં એરંડા ક્ષેત્રને વધુ સુદ્રઢ અને સક્ષમ કરવાના પ્રયાસો સફળ થયા છે. 2003માં ગુજરાતમાં માત્ર 2900 હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થતું હતું. પરંતુ મોદી સાહેબના માળખાકીય અને નીતિગત પ્રયાસોથી 2024માં આ વાવેતર લગભગ 7200થી વધુ હેક્ટરમાં થવા લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.
કોન્ફરન્સ વિશેષ ભૂમિકા ભજવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક્સ, લ્યુબ્રિકન્ટ્સ અને બાયોડીઝલ જેવા અનેક ક્ષેત્રોમાં એરંડાનો ઉપયોગ વ્યાપકપણે વધ્યો છે, તેથી તેની માંગ દિન-પ્રતિદિન વધી રહી છે અને વેલ્યૂ એડિશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વભરના બજારોમાં, ગુજરાતના એરંડાના તેલની વિશ્વસનીયતા અને ગુણવત્તા ખૂબ મહત્વની છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે એરંડાના ઉત્પાદન અને નિકાસની સાથે નવી ટેક્નોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રાથમિકતા આપી છે. તેમણે આ કોન્ફરન્સને માત્ર ઉદ્યોગ કે કૃષિ માટે નહિ, પણ “મેક ઇન ઇન્ડિયા, ગ્રો ઇન ગુજરાત”ના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝન માટેનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. ગુજરાતની ગ્લોબલ એરંડા હબ તરીકેની ઓળખ દ્રઢ કરવાની દિશામાં સમૂહ મંથન કરવામાં આ કોન્ફરન્સ વિશેષ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
વિચાર વિમર્શ થકી ચોક્કસ સારૂ પરિણામ મળે
મુખ્યંમત્રીએ આ કોન્ફરન્સને એરંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં આ ક્ષેત્રનો વધુ સારી રીતે વિકાસ થાય તે માટેનું યોગ્ય પ્લેટફોર્મ ગણાવી હતી.આ કોન્ફરન્સમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિશ્વમાં કેસ્ટરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. દેશમાં સતત 23 વર્ષથી અને ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી કેસ્ટર ઉદ્યોગને વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય તે માટે SEA સતત કામ કરી રહ્યું છે. 21મી સદીમાં દુનિયા ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ખાસ કરીને ગુજરાત 85 ટકા કરતા વધુ કેસ્ટરનું ઉત્પાદન કરતું હોય તેવા સમયે તેમાં વધુ પ્રગતિ થાય તે માટે આ કોન્ફરન્સમાં સતત ચર્ચાઓ કરવામાં આવશે. આ પ્રકારની યોજાતી દરેક કોન્ફરન્સમાં વિચાર વિમર્શ થકી ચોક્કસ સારૂ પરિણામ મળે જ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતોની ખેતપેદાશોની ગુણવત્તા વધે
વધુમાં, ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩માં રાજ્યમાં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા અનેક રોકાણોના પરિણામે દેશ અને રાજ્યનો ખૂબ વિકાસ થયો છે. ગયા વર્ષે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અંદાજે રૂ. 45 લાખ કરોડના MOU કરવામાં આવ્યા હતા. આજે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતા રાજ્ય સાથે દેશનું હંમેશા વિકાસ મોડલ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં અમલી 20થી વધુ પોલિસીઓના પરિણામે રાજ્યનો વિકાસ અકલ્પનીય રીતે થયો છે. આ કોન્ફરન્સમાં કેસ્ટરનું ઉત્પાદન કરતાં ખેડૂતોની સંખ્યા વધારવા અને તેને લાગતાં અન્ય મુદ્દાઓ પર સામૂહિક વિચાર કરવામાં આવશે. ખેડૂતોની ખેતપેદાશોની ગુણવત્તા વધે, ખેતીની આવકમાં વધારો થાય અને તેમને ખેતપેદાશોના સારા ભાવ મળી રહે તે અંગે રિસર્ચ કરવાથી આ કોન્ફરન્સનો હેતુ પરિપૂર્ણ થશે.
સીડની ખેતી અને નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો
આ પ્રસંગે SEAના ચેરમેન શૈલેષ બાલધાએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીઝના દરેક સ્ટેક હોલ્ડરને કેસ્ટરની ડિમાન્ડ-સપ્લાય ચેઈન અને તેને અસર કરતાં વિવિધ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. ડિમાન્ડ-સપ્લાય ચેઈનના સંતુલનના પરિણામે છેલ્લા બે વર્ષમાં કેસ્ટર ઓઇલની કિંમત સ્થાયી રહી છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં સ્ટેક હોલ્ડર, રિસર્ચ સંસ્થાઓ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી સહિત સરકારના અથાગ પ્રયત્નોથી કેસ્ટર ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.SEAના વાઇસ પ્રેસિડેન્ટ આંગશુ મલિકે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ભારત વિશ્વની માંગના 90 ટકા જેટલું કેસ્ટર સીડનું ઉત્પાદન તેમજ અંદાજે રૂ. 15 હજાર કરોડના કેસ્ટર ઓઇલની નિકાસ કરે છે. આમ ગુજરાત કેસ્ટર સીડનું મુખ્ય ઉત્પાદક રાજ્ય બન્યું છે. આજે આ કોન્ફરન્સમાં કેસ્ટર સીડની ખેતી અને નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો તેમજ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.'સોલવંટ એક્સ્ટ્રેક્ટર એસોશિયેશન-SEA' દ્વારા આયોજિત કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના હસ્તે ' વિઠ્ઠલભાઈ જી. ઉદેશી' કેસ્ટર ઈનોવેશન એવોર્ડ તેમજ વર્ષ-2024 માટે સૌથી વધુ કેસ્ટર ઓઈલ નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર ખેડૂતો-ઉદ્યોગોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.આ કોન્ફરન્સમાં SEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી.વી.મેહતા, કો-ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાજપૂત સહિત અન્ય એરંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






