Amreli News: લીલીયામાં પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક તણાતા શિક્ષકનું મોત, આચાર્યનો આબાદ બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના ભોરીંગડા-ક્રાંકચ માર્ગ પરથી પસાર થઈ રહેલું એક મોટરસાયકલ પાણીના ભારે અને ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું હતું. ક્રાંકચથી ભોરીંગડા પરત ફરી રહેલા શાળાના સ્ટાફની બાઈક પાણીના જોરદાર વહેણની ઝપેટમાં આવી ગઈ હતી, જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આચાર્યે પથ્થર પકડી લેતા આબાદ બચાવ
આ બાઈક પર 40 વર્ષીય શિક્ષક જગદીશભાઈ રંગપરા અને તેમની શાળાના આચાર્ય બંને સાથે સવાર હતા. પાણીના અતિ ભારે પ્રવાહ વચ્ચે અચાનક ગાડી સ્લિપ થઈ ગઈ હતી અને બંને પાણીમાં ખાબક્યા હતા. આ કટોકટીની પળોમાં સાથે રહેલા આચાર્યનો હાથ રોડ સાઈડમાં આવેલા એક પથ્થર પર પડી જતાં તેમણે પથ્થર મજબૂતાઈથી પકડી રાખ્યો હતો, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, કમનસીબે શિક્ષક જગદીશભાઈ પાણીના ધસમસતા વહેણમાં તણાઈ ગયા હતા.
ઘટના સ્થળેથી 3 કિલોમીટર દૂર મળ્યો શિક્ષકનો મૃતદેહ
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં શોધખોળ આદરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ઘટના સ્થળથી આશરે ત્રણ કિલોમીટર દૂર શિક્ષક જગદીશભાઈ રંગપરાનો મૃતદેહ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા તેમની બોડીને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
શિક્ષણ જગતમાં વ્યાપી ગયો ભારે શોક
માત્ર 40 વર્ષની નાની ઉંમરે ફરજ પરથી પરત ફરતા શિક્ષક જગદીશભાઈ રંગપરાનું આ રીતે આકસ્મિક મોત થતાં સમગ્ર પંથકમાં અને શિક્ષણ જગતમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. એક હોનહાર શિક્ષક ગુમાવતા તેમના પરિવાર સહિત સાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreli સિંહ હુમલો કેસ: ગેરકાયદે સિંહ દર્શન અને વીડિયો કોલ મામલે બે આરોપીઓ જેલ હવાલે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

