અમેરિકાની બોર્ડર પર ડિંગુચા ગામના પરિવારના મોતના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી હર્ષ પટેલને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. અમેરિકાની કોર્ટે હર્ષ પટેલને આ સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે હર્ષ પટેલ સામે માનવ તસ્કરીનો ગુનો નોંધાયો હતો અને કેનેડા બોર્ડરથી પ્રવેશતા એક પટેલ પરિવારનું મોત થયું હતું. માઈનસ 36 ડિગ્રી તાપમાનમાં થીજી જવાના કારણે આ પરિવારના લોકોનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસના સહ આરોપી સ્ટીવ એન્થોની શેન્ડને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
નકલી વિઝા પર લોકોને કેનેડા લઈ જતા હતા
આ કેસની તપાસમાં જાણવા મળ્યું કે આ બંને આરોપીઓ ભારતમાંથી નકલી સ્ટુડન્ટ વિઝા પર લોકોને કેનેડા લાવતા હતા અને પછી ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જતા હતા. આ માટે તેઓ મોટી રકમ વસૂલતા હતા. એક વ્યક્તિ પાસેથી 1 લાખ ડોલર સુધીની રકમ વસુલવામાં આવતી હતી. આ ગેંગમાં હર્ષ પટેલ દાણચોરીનો આખો પ્લાન બનાવતો હતો, જ્યારે બીજો શેન્ડ લોકોને સરહદ પાર કરતાની સાથે જ ઉપાડીને શિકાગો લઈ જતો હતો. ત્યારે 18 જાન્યુઆરી, 2022ના રોજ તેમને 11 લોકોને સરહદ પાર કરાવી હતી, હવામાન વિભાગે પહેલાથી જ -36 ડિગ્રી તાપમાન અને 50 માઈલ પ્રતિ કલાકની ઝડપે બરફીલા પવનની ચેતવણી આપી હતી.
બોર્ડર સિક્યુરિટી ફોર્સને શેન્ડની વાન બરફમાં ફસાયેલી જોવા મળી હતી
બીજા દિવસે સવારે એટલે કે 19 જાન્યુઆરીના રોજ, યુએસ બોર્ડર સિક્યુરિટી ફોર્સને શેન્ડની વાન બરફમાં ફસાયેલી મળી. તેની સાથે બે લોકો હતા, જેમને તેણે છુપાવી રાખ્યા હતા. ટૂંક સમયમાં ખેતરોમાંથી વધુ પાંચ લોકો બહાર આવ્યા, જેમાંથી એકને ગંભીર હાઈપોથર્મિયા હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે દિવસે પછીથી વધુ ભયાનક સમાચાર આવ્યા. કેનેડાની રોયલ માઉન્ટેડ પોલીસને સરહદ પાર એક પરિવારના ચાર મૃતદેહ મળ્યા, જેમાં એક ત્રણ વર્ષનો છોકરો, એક 11 વર્ષની છોકરી અને તેમના માતાપિતા. બાળકને ધાબળામાં લપેટવામાં આવ્યું હતું.