Ambaji Bhadarvi Poonam 2025 : સતલાસણાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માઁ જગદંબાના આશીર્વાદ અને પદયાત્રીઓની સેવા કરવાના દ્રઢ સંકલ્પ સાથે “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા યાત્રા કરી રહ્યો છે. આ યાત્રાની શરૂઆત માત્ર એક નાનકડા વિચારથી થઈ હતી, જે આજે હજારો પદયાત્રીઓની સેવા થકી વિશાળ વટવૃક્ષ બની છે.
દુર્ગમ વિસ્તારમાં સેવાનો એક અનોખો સંકલ્પ
ગાંધીનગરના માણસા તાલુકાના આનંદપુરા અને વેડા ગામના યુવાનોનો એક સંઘ વર્ષ ૧૯૯૫થી દરવર્ષે વેડાથી અંબાજીની પદયાત્રા પર જતો હતો. પદયાત્રા દરમિયાન આ યુવાનોને હડોલથી ટીંબા વચ્ચેના ૮ કિલોમીટરના દુર્ગમ અને કાચા રસ્તા પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઢોળાવવાળા રસ્તા પર યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને પીવાનું પાણી પણ નસીબ ન થતું. આ પરિસ્થિતિ જોઈને વર્ષ ૧૯૯૯માં આ યુવાનોએ દ્રઢ સંકલ્પ કર્યો કે આવતા વર્ષથી, એટલે કે વર્ષ ૨૦૦૦થી, તેઓ આ રસ્તા પર યાત્રાળુઓ માટે પીવાના પાણીનો સેવા કેમ્પ શરૂ કરશે. માઁ અંબાને આપેલું આ વચન પૂરું કરવા માટે ગામના યુવાનોએ "માઁ વેડાઈ સેવા કેન્દ્ર"ની સ્થાપના કરીને પદયાત્રીઓની સેવા શરૂ કરી હતી.
સેવા સાથે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમ
આ સેવા કેમ અંગે વાત કરતા વેડા આનંદપુર ગામના ચૌધરી મહેશભાઈ જણાવે છે કે અમે વર્ષ ૨૦૦૦ થી આ જગ્યા પર સેવા કેમ્પની શરૂઆત કરી છે. પાણી અને લીંબુ શરબતથી સેવા શરૂ કરેલા આ સેવા કેમ્પ આજે વિસામો ચા- નાસ્તો સફરજન સહિતની સુવિધાઓ યાત્રાળુઓને આપે છે. સરકારશ્રી અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાલમાં પર્યાવરણના જતન માટે નમો વડનું નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આ સેવા કેમ્પ દ્વારા કેમ્પના સ્થળે આજથી ૯ વર્ષ પહેલા ૯ વડ વાવ્યા હતા જે આજે વટ વૃક્ષ બન્યા છે. સેવાનો વિસ્તરતો વ્યાપ
સેવા શરુ કર્યાના શરૂઆતના પાંચ વર્ષ સુધી યુવાનોના સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓને ફક્ત લીંબુ શરબત અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. સમય જતાં દાતાઓના સહયોગથી આ સેવા કેમ્પમાં પાણી-શરબત સાથે વિવિધ પ્રકારના નાસ્તા, ચા અને મેડિકલ સેવાઓ પણ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના સહકારથી પદયાત્રીઓ માટે એક વિશાળ વિસામાનું પણ નિર્માણ કરવાનું શરુ કર્યું હતું, જેથી પદયાત્રીઓ બે ઘડી આરામ કરી શકે. આ સેવા કેમ્પ દ્વારા છેલ્લા દસ વર્ષથી માઈભક્તોને સતત સફરજનનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. સફરજનને કાપી, તેના પર મસાલો નાખીને શ્રદ્ધાળુઓને માઁ વેડાઈના પ્રસાદ તરીકે આપવામાં આવે છે. સેવા શ્રમ અને સમર્પણનો અનોખો સંગમ
આ સેવા કેમ્પમાં માત્ર પૈસાનું જ નહીં, પરંતુ શ્રમનું પણ દાન થાય છે. ગામના ધંધો, સરકારી-ખાનગી નોકરી અને મોટી ખેતી કરતા યુવાનો પણ આ ચાર દિવસ દરમિયાન સેવા કેમ્પમાં આવીને રાત-દિવસ શ્રદ્ધાળુઓની સેવા કરે છે. દર વર્ષે આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીઓ આ સેવા કેન્દ્રનો લાભ લે છે. જેમાં ગાંધીનગર, માણસા, વિજાપુર, હિંમતનગર અને વિસનગર તાલુકાના ભક્તોનો પણ સમાવેશ થાય છે. ૧૦ વર્ષ પહેલા સફરજનની સેવા શરૂ કર્યા બાદ, દર વર્ષે લગભગ રૂ. ૫ લાખથી વધુનો ખર્ચ થાય છે. પરંતુ, માઁ વેડાઈની કૃપાથી અને દાતાઓના સહયોગથી આ સેવા અવિરતપણે હજુ પણ ચાલુ છે અને આગામી અનેક વર્ષો સુધી સતત ચાલુ રહેશે. આ વર્ષે સેવા કેમ્પની ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે વેડા આનંદપુરાના વતની દક્ષેશભાઈ બારોટ સેવા કેમ્પના સંપૂર્ણ ખર્ચના દાતા બન્યા છે.
What's Your Reaction?






