Ahmedabad: બાવળામાં સિલિન્ડર બ્લાસ્ટથી પ્રચંડ ધડાકો, 4 મકાનો ક્ષતિગ્રસ્ત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ આંબા તળાવ વિસ્તારમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બાવળાના ભરવાડ વાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ભયાનક બ્લાસ્ટના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
અમદાવાદના બાવળામાં સિલિન્ડર બ્લાસ્ટ
આ ગોઝારી ઘટનામાં ઘરમાં હાજર બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઇજાગ્રસ્તને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે. સિલિન્ડર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર આજુબાજુના મકાનો પર પણ જોવા મળી હતી. પ્રચંડ ધડાકાને કારણે આસપાસના ૪ જેટલા મકાનોને ભારે નુકસાન થયું છે. કેટલાક મકાનોની દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. મકાનોના કાટમાળ અને તૂટેલા સરસામાનના દ્રશ્યો ઘટનાની ભયાનકતા દર્શાવે છે.
પ્રચંડ ધડાકા સાથે બાટલો ફાટતા 4 મકાનો ક્ષતિગ્રસ્ત
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સિલિન્ડરમાં લીકેજ કે અન્ય કોઈ ટેક્નિકલ ખામીના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. આ દુર્ઘટનાથી ફરી એકવાર ગેસ સિલિન્ડરના ઉપયોગ અને જાળવણી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. પોલીસ દ્વારા બનાવના ચોક્કસ કારણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






