અમદાવાદના ગત્રાડ રોડ પરથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જ્યાં આવેલા મહેમુદપુરા વિસ્તારની એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બપોરે 3:30 વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફટાકડાનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં 8 લોકોના મોતની આશંકા
આ ભયાનક આગ મહેમુદપુરામાં આવેલી 'ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી'માં લાગી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, ફેક્ટરીની અંદર વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના લીધે અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. તંત્ર અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ગંભીર દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, સત્તાવાર આંકડો હજુ સુધી જાહેર થયો નથી.
ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના
આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ગત્રાડ રોડ પર આવેલી ફેક્ટરી ખાતે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ સાથે જ ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના કરી દેવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે....
આ પણ વાંચો - Ahmedabad: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના