Tapiમાં વ્યાજખોરોનો ત્રાસ, વેપારી પાસે 50 લાખની સામે 97 લાખ વસૂલ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાપી જિલ્લામાં પણ વ્યાજખોરોએ જાળ બિછાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, વ્યારાના એક મીઠાઈ અને ફરસાણના વેપારીએ ધંધામાં નાણાં ભીડ અનુભવતા વ્યાજખોરો પાસે 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 97 લાખથી વધુ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા વારંવાર 50 લાખ મુદ્દલ રકમ તરીકે માગણી કરવામાં આવતા વેપારી ત્રાહિમામ પોકારી ચૂક્યો હતો.
વેપારી વ્યારા પોલીસના શરણે આવ્યો
જો કે વ્યાજખોરોએ આટલેથી ન અટકી વેપારીએ સિક્યોરિટી માટે આપેલા ચેકો પણ વ્યાજખોરો એ બીજા લોકોના ખાતામાં નાખી વેપારી સામે નેગોશિયેબલ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની ધમકી આપતા વેપારી વ્યારા પોલીસના શરણે આવ્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે સુરતના બારડોલી ખાતે રહેતા પિતા અને પુત્ર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા નગરમાં વક્તારામ ઉર્ફે વિનોદ ચૌધરી મીઠાઈ તેમજ ફરસાણનો ધંધો કરી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. જો કે તેમને ધંધામાં નાણાભીડ થતાં તેઓએ વર્ષ 2014માં સુરત જિલ્લાના બારડોલી ખાતે સંસ્કૃતિ સોસાયટીમાં રહેતા રાજુ માંગીલાલ શાહ અને માંગીલાલ હસ્તીમલ શાહ પાસેથી 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ દર વર્ષે 9 લાખ 12 હજાર તેઓને આપતા આવ્યા હતા. 10 વર્ષ સુધી 92 લાખ અને હાલ 5 લાખ મળી 97 લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવ્યા બાદ પણ બંને વ્યાજખોરોએ વક્તારામ ઉર્ફે વિનોદ ચૌધરીનું જીવવાનું હરામ કરી દીધું હતું અને મુદ્દલ 50 લાખની માગણી ચાલુ રાખી હતી.
દુકાને આવીને વેપારી સાથે બંને પિતા-પુત્ર ગાળાગાળી કરતા
બંને વ્યાજખોરો તેમની દુકાને આવી જીએસટી સર્ટિફિકેટના તેમજ ફૂડ લાઈસન્સના ફોટા પાડી તેમના ભાઈઓ અને પરિવારજનો સહિત તમામને માર મારવાની ધમકી આપતા હતા. માંદગીમાં અટવાયેલા વક્તારામ ચૌધરીએ કેટલીય આજીજી કરવા છતાં પૈસાના લાલચી બંને વ્યાજખોર બાપ દીકરાઓએ વક્તારામ પાસેથી સિક્યોરિટી પેટે સહી કરાવીને લીધેલા 5 કોરા ચેક પૈકી 3 ચેકો અન્ય લોકોના નામે બેન્કમાં નાખી રિટર્ન કરાવી નોટિસો આપી રોજ ગાળાગાળી કરી પઠાણી ઉઘરાણી કરતા વક્તારામ ચૌધરી વ્યારા પોલીસમાં ફરિયાદ આપી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ તરફ તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ વક્તારામની ફરિયાદના આધારે નાણાં ધીરધારના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ફરિયાદી વક્તારામને રૂપિયા 50 લાખ વ્યાજે આપ્યા હતા અને જેની સામે ફરિયાદીએ 92 લાખથી વધુ રકમ ફરિયાદીએ આપવા છતાં બંને આરોપીએ 50 લાખ રૂપિયાની માગણી આપી ગાળાગાળી તેમજ માર મારવાની ધાક ધમકીના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ વ્યાજખોરો દ્વારા અન્ય કોઈ લોકો સાથે પણ આવું કૃત્ય કરાયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






