Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને ચુડા ખાતે ૭૯માં "સ્વાતંત્ર્ય પર્વ"ની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આઝાદીના ૭૯માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં શંકર સ્ટેડિયમ, ચુડા ખાતે કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના "સ્વતંત્રતા પર્વ"ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી
આ મહામુલી આઝાદીના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલે સૌ નાગરીકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો, અનેક નામી અનામી દેશભકત શહિદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે.
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી ક્ષેત્રે પછાત ગણાતો હતો
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનારા વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ ઠેર-ઠેર આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં નાગરિકોએ પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કર્યો છે. કલેકટરે જિલ્લાની વિકાસયાત્રા વર્ણવતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩,૩૩૯ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧,૯૯૪ આવાસો પૂર્ણ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૮,૭૫૭ લાભાર્થીઓનો આવાસ પ્લસ-૨૦૨૪ સર્વેમાં સમાવેશ કરાયો છે, જેમને આગામી સમયમાં લાભ આપવામાં આવશે. ઓછા વરસાદનાં કારણે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ખેતી ક્ષેત્રે પછાત ગણાતો હતો, જે હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે આગળ પડતા જિલ્લા તરીકે ગણાવા લાગ્યો છે.
સોલર પાવરને લગતા ૩૫થી વધુ એકમો કાર્યરત છે
જિલ્લામાં ઉદ્યોગ ક્ષેત્રે થયેલી પ્રગતિ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર, મુળી, લીંબડી અને ધ્રાંગધ્રા તાલુકાઓમાં કોટન સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ધ્રાંગધ્રા અને પાટડીમાં અંદાજે ૧૨ થી ૧૪ લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. ચોટીલા, થાનગઢમાં સેનેટરી વેરના અંદાજે ૨૫૦થી વધુ એકમો આવેલા છે. લીંબડી, વઢવાણ, ચુડા અને મૂળી તાલુકામાં અંદાજે ૧૯૦ જેટલી હાથશાળ તેમજ હસ્તકલા વણકર સહકારી મંડળીઓ કાર્યરત છે. આ ઉપરાંત પાટડી અને મૂળી તાલુકામાં સોલર પાવરને લગતા ૩૫થી વધુ એકમો કાર્યરત છે. જેમાંથી લગભગ ૭૦૦ મેગાવોટ થી વધારે વીજળીનું ઉત્પાદન થાય છે.
બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય સુવિધાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે જિલ્લામાં ૮ લાખ કરતાં વધારે ABHA અને ૭ લાખ કરતાં વધારે PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા છે. જિલ્લાના દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે સશસ્ત્ર દળો, પોલીસ અને અર્ધ-લશ્કરી દળોના જવાનોને વંદન કરી બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવા અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા જણાવ્યું હતું.
વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ શૃંખલામાં કલેકટર સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ચુડા તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ રજૂ થયેલ તમામ કૃતિઓને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ સહિત વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






