Surat: શહેરમાં મિશ્ર ઋતુની આડઅસર, બિમારીના ભરડામાં બે વૃદ્ધ મહિલાઓએ દમ તોડ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાયમંડ સિટી સુરતમાં હવામાનમાં આવેલા અણધાર્યા પલટા અને બેવડી (મિશ્ર) ઋતુના કારણે મોસમી રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારે ગુલાબી ઠંડક અને બપોરના સમયે આકરા તાપના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ખાંસી તેમજ ઝાડા-ઊલટીના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. આ જીવલેણ રોગચાળાની ચપેટમાં આવી જવાથી શહેરના ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલાઓનાં મોત નીપજતાં સમગ્ર શહેરમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરની સરકારી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર તેમજ ખાનગી ક્લિનિકો અને નર્સિંગ હોમ્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
તાવ અને ઝાડા-ઊલટીથી બે વૃદ્ધાનાં મોત
ડિંડોલી વિસ્તારમાં રહેતાં વૃદ્ધાને અચાનક ભારે તાવ ચડ્યા બાદ તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પાંડેસરા વિસ્તારમાં રહેતાં અન્ય એક વૃદ્ધાને અચાનક ઝાડા અને ઊલટીની ગંભીર તકલીફ ઊભી થઈ હતી. શરીરમાં ડીહાઈડ્રેશન અને અશક્તિ વધી જતાં તેમનું પણ કરુણ મોત નીપજ્યું હતું.તબીબોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) નબળી પડતાં ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને નાના બાળકો ઝડપથી સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ
સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની ઓપીડીમાં રોજિંદા સેંકડો દર્દીઓ તાવ, માથાનો દુખાવો, શરદી, ગળામાં ઇન્ફેક્શન અને ગેસ્ટ્રોની ફરિયાદ સાથે પહોંચી રહ્યા છે. લક્ષણો ગંભીર જણાતાં દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે જનરલ વોર્ડમાં બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે.સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને ફોગિંગ કામગીરી તેજ કરવામાં આવી છે. તબીબોએ નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, વાસી ખોરાક ન ખાવા અને તાવ કે ઝાડા-ઊલટીના સામાન્ય લક્ષણો જણાય તો પણ જાતે દવા લેવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: Suratમાં હીરા ઉદ્યોગમાં વધુ એક કરુણાંતિકા: સગરામપુરાના જૈન હીરા વેપારીએ તાપી નદીમાં કૂદીને કર્યો આપઘાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

