Surat News: રશિયન આર્મીમાં જોડાયેલો કતારગામનો પાટીદાર યુવક ચાર મહિનાથી લાપતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દોઢ વર્ષ પહેલાં રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે જોડાયેલો કતારગામનો 39 વર્ષીય પાટીદાર યુવક છેલ્લા ચાર મહિનાથી રહસ્યમય રીતે લાપતા બન્યો છે. આ યુવકને શોધી પરત લાવવા માટે યુવકનું પરિવાર ભારતનું વિદેશ મંત્રાલય,પીએમઓ ઓફિસ અને રશિયન એમ્બેસીમાં છેલ્લા એક મહિનાથી રઝળપાટ કરી રહ્યું છે, પરંતુ તેમને મદદ તો ઠીક પરંતુ આશ્વાસન સુધ્ધાં મળી રહ્યું નથી.
દસ મહિના પહેલાં તેણે સુરત પરત ફરવાનો નિર્ણય લીધો
ગુમ યુવકની પત્ની શીતલબેને જણાવ્યું હતું કે તેમનો પતિ રમણિક સખવાળ ગત 13 જૂન 2025એ વિઝિટર વિઝા લઇ રશિયા ગયો હતો.અહીં તે એક મોલમાં નોકરીએ જોડાયો હતો.દસ મહિના સુધી નોકરી કરવાની સાથે પત્ની અને 11મા ધોરણમાં અભ્યાસ કરતા 16 વર્ષીય પુત્ર હેમિલને સારી રીતે ભણાવી શકાય તે માટે સમયાંતરે રૂપિયા મોકલતો હતો.દસ મહિના પહેલાં તેણે સુરત પરત ફરવાનો નિર્ણય લીધો હતો.પરંતુ બીજી જૂન 2026માં રમણિકે ફોન કરી પોતે રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે નોકરી મળી હોવાનું જણાવ્યું હતું. મોટા પગાર અને રશિયન નાગરિકતાની ઓફર મળી હોઇ તે ત્યાં જ રોકાઇ ગયો હતો.જોકે આર્મીમાં સપોર્ટિંગ સ્ટાફ તરીકે જોડાયાના 22 દિવસ બાદથી તે લાપતા થઇ ગયો હતો.
તરુણ પુત્રની આજીજી તેમના બહેરા કાને અથડાઈને પરત ફરી
24મી જૂને છેલ્લી વાત થઇ હતી.બાદમાં રમણિકનો ક્યારેય ફોન આવ્યો ન હતો.પોતે જે મેસેજ કરતો હતો તે પણ અનરિડ બતાવવાની સાથે તેનો ફોન પણ બંધ થઇ ગયો હોઇ ક્યારેક સંપર્ક થઇ શક્યો નહિ હોઇ પરિવાર ચિંતામાં મુકાયો છે.પરિવાર રમણિકને પરત લાવવા માટે રાજ્યનાં અનેક મોટા નેતાઓને મળીને રમણિકને હેમખેમ પરત લાવવા માટે આજીજી કરી ચૂક્યું છે.દિલ્હીમાં વિદેશ મંત્રાલય,પીએમઓ ઓફિસમાં પણ રમણિકને શોધીને પરત લાવવા માટે કે તેની સાથે શું બન્યું તે વિગતો મેળવવા માટે રજૂઆતો કરાઇ છે.પરંતુ આ ગરીબ મહિલા અને તેનાં તરુણ પુત્રની આજીજી તેમના બહેરા કાને અથડાઈને પરત ફરી છે.
અજુગતું થયાની આશંકાએ પરિવાર ફફડી રહ્યો છે
તમામ મંત્રાલય દ્વારા વિવશ હોવાનું કારણ આગળ ધરી દેવાયું હોવાનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે. છેલ્લે વાત થઈ ત્યારે તે રશિયાએ કબજે કરેલા યુક્રેનના વિસ્તારમાં હોવાનું જણાવી રહ્યો હોઇ તેની સાથે અજુગતું થયાની આશંકાએ પરિવાર ફફડી રહ્યો છે.જૂન 2025માં ગયેલો રમણિક એપ્રિલ 2026માં પરત આવી જવાનો હતો પરંતુ બીજી જૂને ઓચિંતો રમણિકનો ફોન આવ્યો હતો અને પોતાને રશિયન આર્મીમાં નોકરી મળી ગયાનું જણાવ્યું હતું.વાર્ષિક 35 લાખ રુબલનો પગાર અને સાથે રશિયન નાગરિકતા મળતી હોય તે ત્યાં જ રોકાઇ ગયો હતો.પોતાને આર્મીમાં સપોર્ટિંગ સ્ટાફ તરીકે ફૂડ ડિલિવરી કરવાની ઓછી જોખમી નોકરી હોવાનું રમણિક જણાવતો હોવાનું પત્ની શીતલએ જણાવ્યું હતું.
ઇન્ટર્નલ અફેર્સનો મામલો હોવાનું કહી હાથ અધ્ધર કર્યા
રશિયાથી ગુમ થયેલા યુવકના ભાઈ મહેશ સખવાળે કહ્યું હતું કે, રમણિક હેમખેમ છે કે કેમ તેને લઇ અમે ચિંતાતુર છે.હીરામાં મંદી આવતાં તે પુત્રને સારો અભ્યાસ કરાવવા અને પરિવારના ગુજરાનની ચિંતામાં રશિયા ગયો હતો, પરંતુ તે પરત નહિ આવશે તેની અમને ક્યારેય કલ્પના ન હતી. તેની સાથે શું થયું તે પણ અમને કોઇ જણાવતું નથી. અલગ અલગ કચેરીઓ દ્વારા કોઇ ચોક્કસ જવાબ મળી રહ્યો નથી.દિલ્હીમાં આવેલી રશિયન એમ્બેસી પણ રશિયન પાસપોર્ટનું કારણ આગળ ધરી રશિયાની ઓફિસની જ તપાસ કરવા કહે છે.
મને મારો પતિ લાવી આપો બસ
યુવકની પત્નીએ કહ્યું હતું કે, 24 જૂનથી હું પતિના ફોનની રાહ જોઇ રહી છું.તેની સાથે શું થયું તે જાણવા અનેક કચેરીએ ઇવન તેના રશિયાના ટ્રેનર અર્જુન શ્રીલંકન નામના શખ્સ સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છું.અર્જુન જ મારા પતિના પગારના નાણાં મોકલતો હતો. હવે પોતાની બદલી થઈ ગઈ છે, મિશન પર છું, ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયો છે તેવા અવનવા બહાના બનાવી સાચી કારણ જણાવી નથી રહ્યો. મને બસ મારો પતિ પરત લાવી આપવા સરકાર પ્રયત્ન કરે તેટલી જ વિનંતી.
આ પણ વાંચોઃ CNG Gas Rate: અદાણીએ CNG ગેસનો ભાવ વધાર્યો, જાણો પ્રતિ કિલોએ કેટલી ચૂકવવી પડશે કિંમત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

