સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના ગુનામાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કડક સજા અપાવી પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં બારીકાઇથી તપાસ કરી ગુનેગારોને કડક સજા અપાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસે કરેલી પ્રશંસનિય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે આપવાની જાહેરાત કરી છે.
સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી
સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં તા.૮મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ એક નિર્દોષ સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ગુનાને અત્યંત ગંભીરતા અને સંવેદનશીલતાથી લઇને સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢી તેમના વિરૂધ્ધમાં તમામ મજબૂત પુરાવાઓ એકત્ર કરીને તા.૨૪મી ઓક્ટોબરે એટલે કે માત્ર ૧૫ જ દિવસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી.
અધિકારી-કર્મચારીઓને ઈનામ અપાશે
નામદાર કોર્ટ દ્વારા આજે આ ગુનાના આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. પીડિતા તથા તેના પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને તપાસ કરી છે તેવા સુરત રેન્જ ડી.આઇ.જીથી લઇને લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સુધીના કુલ ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે આપવા તથા પ્રશંસાપત્ર આપવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જાહેરાત કરી છે.