Rajkot ક્રાઈમ બ્રાન્ચે સાધકનો વેશ પલટો કરીને કર્ણાટકથી હત્યાનો આરોપી ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સાધકનો વેશ ધારણ કરીને કર્ણાટક રાજ્યના કાલા બગુડી ખાતે આવેલા આશ્રમમાં રહેતા અમૃત પ્રજાપતિ મર્ડર કેસના સહ આરોપી 37 વર્ષીય કિશોર બોડકેને ગુરૂવારના રોજ ઝડપી પાડવામાં આવ્યો છે. કિશોર બોડકે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને કર્ણાટકમાં આશ્રમમાં સેવાદાર તરીકે રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી. તેમજ બે દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોડકેની હાજરી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી.
હજી પણ આ હત્યા કેસના આરોપીઓ ફરાર છે
શુક્રવારના રોજ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગોહિલે જણાવ્યું હતું કે, અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 વ્યક્તિઓના નામ ખુલી ચૂક્યા છે. જે પૈકી 3 આરોપીઓની અગાઉ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચુકી છે. બાકી રહેતા 8 આરોપીઓ પૈકી કિશોર બૉડકે નામના આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સ્પેસિફિક ઇન્ટેલના માધ્યમથી કર્ણાટકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી કિશોરનો રોલ અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં આસારામ વિરુદ્ધ જે તે સમયે જે લોકો વિરોધમાં બોલતા હોઈ, આસારામનો વિરોધ કરતા હોઈ તેનું લીસ્ટ તૈયાર કરવાનું હતું. તો સાથે જ અમૃત પ્રજાપતિના મર્ડર કેસનું પ્લાનિંગ કરવામાં રોલ હતો. અગાઉ આ મર્ડર કેસમાં પકડાઈ ચૂકેલા કાર્તિકની તેને આ ગુનાના કામે મદદ પણ કરી હતી. મર્ડર કેસ સામે આવ્યા બાદ આરોપી કિશોર વડોદરા, સુરત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા શહેરો અને રાજ્યોમાં આવેલા આસારામ બાપુના તેમજ તેમની સાથે જોડાયેલા ટ્રસ્ટના આશ્રમોમાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી કિશોર બોડકેનો ગુનાહિત ઇતિહાસ
આરોપી કિશોર વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તેમજ સુરત શહેરના ઉમરા, અડાજણ, ખટોદર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2014માં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના 3 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.
શા માટે અમૃત પ્રજાપતિની હત્યા કરવામાં આવી હતી?
અમદાવાદ ખાતે દીપેશ અને અભિષેકના શંકાસ્પદ મોત થતાં અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડ્યો હતો. ત્યાર બાદ તેણે આશ્રમમાં વર્ષોથી ચાલી રહેલી ગતિવિધિઓ અંગે મીડિયામાં તેમજ પોલીસને પોતાના સ્ટેટમેન્ટ આપ્યા હતા. આશારામ અને તેના પુત્ર વિરુદ્ધ જે ગુના અમદાવાદ, સુરત અને જોધપુર ખાતે દાખલ થયા હતા. તે તમામ કેસમાં અમૃત પ્રજાપતિએ પોલીસને સપોર્ટ કરતા પોતાના નિવેદન આપ્યા હતા. તેમજ જે તે કેસમાં સાક્ષી પણ બન્યો હતો. અમૃત પ્રજાપતીએ આસારામના આશ્રમમાં 10 વર્ષ સુધી વૈદ્ય તરીકે પણ સેવા આપી હતી. આશારામ થી છેડો ફાડ્યા બાદ તેણે વૈદ્ય તરીકે પેડક રોડ પર પોતાનું આયુર્વેદિક દવા બાબતેનું ક્લિનિક પણ શરૂ કર્યું હતું.
શું બન્યો હતો બનાવ
23 મે 2014ના રોજ અમૃત પ્રજાપતિ નામના વૈદ્યની બે જેટલા હત્યારાઓ દ્વારા ગોળી ચલાવી હત્યાનો પ્રયાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પેડક રોડ પર કરવામાં આવ્યો હતો. જે તે સમયે અમૃત પ્રજાપતિને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારના 17માં દિવસે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
What's Your Reaction?






