Navsari : મનપાની ટીમ દ્વારા GUDCની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયની ટીમ દ્વારા વોર્ડ નં. 13 સહિતના મુખ્ય વિસ્તારોમાં રૂબરૂ જઈને સ્થિતિનું જાતનિરીક્ષણ કરાયું હતું.
આ મહત્વપૂર્ણ વિઝિટની શરૂઆત ઇટાળવા વિસ્તારથી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. GUDCદ્વારા ચાલતા પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને તેની ગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર અહેવાલો મેળવવામાં આવ્યા હતાં.
ઈટાળવામાં તળાવના બ્યુટીફિકેશન અને વિકાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મેયર અને કમિશનરે સ્થળ પર જઈને કામની પ્રગતિ ચકાસી હતી. તળાવના વિકાસકામો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને તેમાં ઉચ્ચ કક્ષાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ પર ઉપસ્થિત સંબંધિત એજન્સીઓ તથા કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સમયમર્યાદામાં કામ પૂરું ન કરનાર કે ગુણવત્તામાં ક્ષતિ રાખનાર સામે યોગ્ય કાર્યવાહીના સંકેતો પણ આપવામાં આવ્યા છે.
શહેરના વિકાસકામોની સમીક્ષા બાદ ટીમ સીધી ચોવીસી આહિરવાસ અને ધારાનગર વિસ્તારમાં દોડી ગઈ હતી. અહીં સ્થાનિક નાગરિકો દ્વારા ડ્રેનેજ લાઈન અને રસ્તાઓની ખરાબ હાલત અંગે રજૂઆતો કરવામાં આવી હતી. નાગરિકોની આ સમસ્યાઓને અગ્રતા આપીને મેયર અશોકભાઈ ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે ખુદ રસ્તાઓ પર ફરીને ડ્રેનેજ તથા માર્ગોની સ્થિતિ જોઈ હતી અને તાત્કાલિક ધોરણે રીપેરીંગ તેમજ નવીનીકરણની કામગીરી શરૂ કરવા સંબંધિત એન્જિનિયરિંગ વિભાગને આદેશ આપ્યા હતાં.
આ ઉપરાંત, ભાણા પેટ્રોલ પંપ પાસે તેમજ શનિદેવ મંદિર નજીક સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી અન્ય સમસ્યાઓ સંદર્ભે પણ પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. નાગરિકોની રાવ સાંભળીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે સંલગ્ન અધિકારીઓને મૌખિક તેમજ લેખિત સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

