Live Ahmedabad Rain: અમદાવાદની હાલત ખરાબ, અનેક વિસ્તારો જળબંબાકાર, ઘેરથી નીકળતા ટાળજો, Video

Jul 23, 2026 - 12:00
Live Ahmedabad Rain: અમદાવાદની હાલત ખરાબ, અનેક વિસ્તારો જળબંબાકાર, ઘેરથી નીકળતા ટાળજો, Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જેના પગલે સવારે ઓફિસ જવા નિકળેલા હજારો લોકો રસ્તા પર અટવાઇ ગયા છે. અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે જેથી બિનજરુરી બહાર ના નીકળવા એલર્ટ કરવામાં આવ્યા છે..


વરસાદમાં અમદાવાદ શહેરની હાલત ખરાબ

અનેક રોડ પાણીમાં ગરકાવ, શહેરમાં વરસાદને લીધે રોડ કર્યા બંધ, કમર સુધીના વરસાડી પાણી ભરાયા, જીએમડીસી રોડ બંધ કરાયો, કમર સુધીના ભરાયા પાણી, ઘાટલોડિયા, માનવ મંદિર રોડ સહિતના રસ્તા પાણી જ પાણી, જીએમડીસી રોડ પાણીમાં ગરકાવ, જોધપુર,જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી

નિર્ણયનગર ગરનાળામાં કમર સુધી પાણી ભરાયા

અમદાવાદમાં આકાશી આફત જેવા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. નિર્ણયનગર ગરનાળું પાણીથી છલોછલ ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જતાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અવરજવર રોકી દેવામાં આવી છે. આ ગરનાળું બંધ થવાના કારણે આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય સંપર્ક કપાયો છે, જેથી નોકરિયાતો અને સ્થાનિકો અટવાઈ પડ્યા છે.

નવરંગપુરામાં કમર સુધી પાણી 

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ધોધમાર વરસાદના કારણે નવરંગપુરાના અનેક મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કમર સુધીના પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને અનેક વાહનો તણાયા તેમજ બંધ પડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાતાં સ્થાનિકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.


સિંધુભવન રોડ જળબંબાકાર

અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરનો સૌથી ચર્ચિત અને પોશ ગણાતો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સિંધુભવન રોડ પર ઠેર-ઠેર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્માર્ટ સિટીના પોશ ગણાતા વિસ્તારના મુખ્ય રોડ પર જ પાણી ફરી વળતાં તંત્રની ડ્રેનેજ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને અનેક વાહનો અડધા ડૂબેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.


બોપલનો સ્ટર્લિંગ સિટી વિસ્તાર જળબંબાકાર

અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે બોપલ વિસ્તારની પરિસ્થિતિ પણ કફોડી બની છે. બોપલના પોશ ગણાતા સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે. ખાસ કરીને સ્ટર્લિંગ સિટીના સેક્ટર-1 અને સેક્ટર-2માં ગોઠણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

    


ગોતા વિસ્તાર જળબંબાકાર

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગોતા વિસ્તાર સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયો છે. ગોતાના મુખ્ય રસ્તાઓ, સોસાયટીઓના ગેટ સુધી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે અનેક વાહનો બંધ પડી ગયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

પરિમલ અને ઉસ્માનપુરા સહિત 4 અંડરપાસ બંધ

અમદાવાદ શહેરને મેઘરાજાએ ભારે વરસાદથી ધમરોળી નાખ્યું છે. ચારેય તરફ પાણી ભરાઈ જતાં સુરક્ષાના કારણોસર શહેરમાં કુલ 4 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જેમાં ઉસ્માનપુરા અને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઈ જતાં રસ્તા રોકી દેવામાં આવ્યા છે. અંડરપાસ બંધ થવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

 


કર્ણાવતી ક્લબ સામે જળબંબાકાર, વાહનચાલકો બેહાલ

અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા એસ.જી. હાઇવે પર પરિસ્થિતિ વિકટ બની છે. કર્ણાવતી ક્લબ સામેનો મુખ્ય રોડ પાણીમાં ડૂબી ગયો છે અને નવા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર બે થી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે.

લખુડી તળાવ બહાર પાણી ભરાતા ઉસ્માનપુરા તરફનો રસ્તો બંધ કરાયો

અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં પરિસ્થિતિ વણસી છે. લખુડી તળાવની બહાર માર્ગ પર ભારે પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિ ગંભીર બનતાં ઉસ્માનપુરા તરફ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. રસ્તા પર દોઢથી બે ફૂટ પાણી ભરાયેલા હોવાથી અનેક વાહનચાલકો અડધે રસ્તેથી જ વાહનો પાછા વાળવા મજબૂર બન્યા છે. ઉસ્માનપુરા અને લખુડી તળાવ તરફ જતાં વાહનચાલકોને આ રૂટ ટાળવા અને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી છે.

 


નવા વાડજમાં પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ

અમદાવાદના નવા વાડજ સ્થિત ભારત માતા સર્કલ પાસે ભારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ભારે અસરગ્રસ્ત થયો છે અને સ્થાનિકો તથા વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તાજેતરમાં જ અહીં નવો RCC રોડ બનાવવામાં આવ્યો હોવા છતાં, પહેલા જ વરસાદમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે.

એસ.જી. હાઇવે પર સ્થિતિ વણસી

અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે એસ.જી. હાઇવે પર સ્થિતિ વણસી છે. કર્ણાવતી ક્લબ સામેનો રોડ અને નવા બનેલા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા ટ્રાફિક ધીમો પડ્યો છે અને અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અનેક લોકો રસ્તા પર જ અટવાયા

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર થઇ જતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનો બંધ પડી ગયા હતા. સવારના ઓફિસ અને ધંધા રોજગાર માટે નીકળેલા અનેક લોકો રસ્તા પર જ અટવાયા છે. 

અમદાવાદના તમામ વિસ્તારો જળબંબાકાર 

અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી અવિરતપણે ધોધમાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. એસજી હાઇવે, વસ્ત્રાપુર, શિવરંજની, બોપલ, ઘુમા, હેલેમ્નેટ ચાર રસ્તા, ગુરુકુળ, એઇસી ચાર રસ્તા, નારણપુરા, શાસ્ત્રીનગર, અખબાર નગર, નવા વાડજ, શેલા , સરખેજ સહિતના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે. 

   


ગણતરીના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ 

મનપાના આંકડા મુજબ સરખેજ અને બોડકદેવ વોર્ડમાં માત્ર ગણતરીના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 ઇંચથી વધુ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ ૧1ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ 

ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળબંબાકાર થઈ ગયા છે. મકરબા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થિતિ ગંભીર બનતાં મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પાણી ભરાઈ જવાથી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવો પડ્યો છે. 

https://www.youtube.com/watch?v=y1rFLufkZ_U        


વસ્ત્રાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ 

પશ્ચિમ વિસ્તારના પોશ ગણાતા વસ્ત્રાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સિવાય ડી-કેબિન કાળીગામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. કાળીગામ હેલ્થ સેન્ટરની અંદર સુધી પાણી ઘૂસી જતાં દર્દીઓ અને તબીબી સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર માર્ગો પર જળભરાવ થતાં સમગ્ર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વહીવટી તંત્ર પાણીના નિકાલ માટે દોડતું થયું છે. 


આ પણ વાંચો     Gujarat Latest News Live : અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી, વિવિધ વિસ્તારો જળબંબાકાર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0