Junagadh News : જૂનાગઢ પોલીસની હપ્તાખોરીનો પર્દાફાશ, ભાજપના જ ધારાસભ્યએ કર્યા સનસનીખેજ આરોપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. ભાજપના જ ધારાસભ્ય અને માણાવદરના પ્રતિનિધિ અરવિંદ લાડાણીએ માણાવદર અને બાંટવા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોલીસ પર "હરતી ફરતી ક્લબ" ચલાવવા અને તેના માટે દિવસના રૂપિયા 70,000 થી વધુના હપ્તા લેવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યના સમર્થકો પણ આ મામલે માણાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું છે.
ધારાસભ્યએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "માણાવદર અને બાંટવા પોલીસની મિલીભગતથી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓ હપ્તા લઈને આવી "હરતી ફરતી ક્લબ" ચલાવવાની મંજૂરી આપી રહ્યા છે, જેના કારણે યુવાનો બરબાદ થઇ રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આવી ક્લબો પાસેથી દિવસના રૂપિયા 70,000 કે તેથી વધુના હપ્તા લેવામાં આવે છે જે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે." ધારાસભ્યના આ આક્ષેપો બાદ તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં માણાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
માણાવદરમાં રાજકારણ ગરમાયું
આ ઘટનાથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા પોલીસ પર સીધા અને ગંભીર આરોપો લગાવવામાં આવતા પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે. હાલમાં આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો આદેશ આપ્યો છે. જોકે, ધારાસભ્યએ લગાવેલા આરોપોના કારણે પોલીસની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. ધારાસભ્યએ માંગણી કરી છે કે, આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ પોલીસ અધિકારીઓ સામે હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
What's Your Reaction?






