Gujarat વિધાનસભામાં વંદે માતરમની ગૌરવગાથા, મુખ્યમંત્રીએ રાષ્ટ્રભક્તિના અમર ગીતને અંજલિ આપી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત વિધાનસભાના ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનની રચનાના 150 વર્ષની ઉજવણીના અવસરને વધાવતો ઐતિહાસિક સંકલ્પ રજૂ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે, તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન સમાયેલું છે. તેમણે આ ગીતને રાષ્ટ્રની અસ્મિતાનું પ્રતીક ગણાવ્યું હતું.
વંદે માતરમ ગીતની તાકાત
વંદે માતરમની શક્તિ વિશે વાત કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ ગીત ભલે ગુલામીના કાળખંડમાં રચાયું હોય, પરંતુ તેનો અર્થ અને શબ્દો ક્યારેય મર્યાદિત રહ્યા નથી. આ ગીત આજે પણ એટલું જ સુસંગત અને પ્રસ્તુત છે અને તે ભવિષ્યમાં પણ ક્યારેય અપ્રાસંગિક નહીં થાય. આઝાદીની ચળવળને વેગ આપનારું આ ગાન હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમૃતકાળ દરમિયાન વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે નવું પ્રેરણા બળ બની રહેશે.
ભારત માટે નવું પ્રેરણા બળ
ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 1875માં બંકિમચંદ્ર ચટોપાધ્યાયે વંદે માતરમની રચના કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રચેતના સાથે સ્વતંત્રતાનો માર્ગ કંડાર્યો હતો. આ ગીતે જન-જનમાં એવો વિશ્વાસ જગાડ્યો હતો કે એવો કોઈ સંકલ્પ નથી જે પૂરો ન થઈ શકે અને એવું કોઈ લક્ષ્ય નથી જે પ્રાપ્ત ન કરી શકાય. આ ગીતનો મુખ્ય સંદેશ ભારત માતાની આઝાદી હતો, જેમાં એવી કલ્પના હતી કે મા ભારતીના બાળકો જ તેના ભાગ્ય વિધાતા બનશે.
સપનાના સમૃદ્ધ ભારતનો મંત્ર
બ્રિટીશ શાસન દરમિયાન આ ગીત પર લાદવામાં આવેલા પ્રતિબંધોને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદથી હચમચી ગયેલી તત્કાલીન સરકારે વંદે માતરમ ગાનારાઓ પર અનેક અત્યાચારો ગુજાર્યા હતા. આમ છતાં, આ ગીત લાખો દેશવાસીઓ માટે સ્વતંત્રતાનો જયઘોષ બની રહ્યું હતું. અનેક ક્રાંતિકારીઓ આ નારો લગાવતા ફાંસીના માંચડે ચડ્યા હતા. આ જ બલિદાનોને માન આપીને 1950માં બંધારણ સભાએ તેને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપ્યો હતો.
વિશ્વને ભારતની તાકાતનો કરાવ્યો પરિચય
વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતતા સમજાવતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં 'રાષ્ટ્ર પ્રથમ'નો ભાવ જાગૃત થયો છે. તેમણે વિરાસતોનું સન્માન કર્યું છે અને 'મારી માટી-મારો દેશ' જેવા અભિયાનો દ્વારા સાંસ્કૃતિક ચેતનાને વેગ આપ્યો છે. જ્યારે પણ દુશ્મનોએ ભારત પર ખરાબ નજર નાખી છે, ત્યારે 'બહુબલ ધારિણી' અને 'રિપુદલ વારિણી' ભારત માતાએ જડબાતોડ જવાબ આપીને વિશ્વને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે.
ભારત માતાની વંદના કરવાનો અમૂલ્ય અવસર
અંતમાં, નરેન્દ્ર મોદીની કાવ્ય રચનાને ટાંકીને તેમણે જણાવ્યું કે વંદે માતરમ એ માત્ર ગાન નથી પણ આપણી આન, બાન અને શાન છે. તે આઝાદીના મહાયજ્ઞની આહુતિ અને વિકાસની સતત ધબકતી ઓળખ છે. વિધાનસભા ગૃહમાં સભ્યોના વંદે માતરમના નારાઓ વચ્ચે તેમણે આ ઉજવણીને દેશના મહાન નાયકોના પૂણ્ય સ્મરણ અને ભારત માતાની વંદના કરવાનો એક અમૂલ્ય અવસર ગણાવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

