Gujarat Weather Update Live : વડોદરાના અકોટા વિસ્તારમાં જળબંબાકાર, અરવલ્લીના મોડાસામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ

Sep 14, 2026 - 10:30
Gujarat Weather Update Live : વડોદરાના અકોટા વિસ્તારમાં જળબંબાકાર, અરવલ્લીના મોડાસામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 234તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે વાલિયામાં 3.7 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, બરવાળામાં 3.39 ઇંચ, ધરમપુરમાં 3.31 ઇંચ, વાંસદામાં 3.27 ઇંચ અને વાપીમાં 3.11 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં 3.03 ઇંચ, ચુડામાં 2.83 ઇંચ, ગરુડેશ્વર અને રાણપુરમાં 2.64 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ તેમજ દાહોદ અને સુરતના અંબિકા વિસ્તારમાં 2.6 ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વસ્ત્રાપુર અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ આ ખરાબ વાતાવરણની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી છે, જેને લીધે અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી વિવિધ ફ્લાઇટ્સ મોડી પડી છે. દિલ્હી, ઇન્દોર, અબુધાબી અને કુવૈત સહિતની ૯થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ૩૦ મિનિટથી લઈને ૧ કલાક સુધી મોડી પડતા મુસાફરો ભારે મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદ વરસાદ

મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં માત્ર એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મેઘરજ રોડ, ચાર રસ્તા અને બસપોર્ટ પાછળના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઈ જવાની ઘટનાઓ પણ બની હતી. આ ભારે વરસાદને પગલે સમગ્ર અરવલ્લી જિલ્લાભરમાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે

તારાપુર વરસાદ

તારાપુર અને ખંભાત સહિતના ભાલ પંથકમાં વરસાદ

તારાપુર અને ખંભાત સહિતના ભાલ પંથકમાં 40 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર જમાવટ થઈ છે. રાત્રીના ૩ વાગ્યાથી ચોધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે તારાપુર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.કેનાલોમાં અપૂરતા પાણીના કારણે ખેતરોમાં તિરાડો પડી ગઈ હતી અને જમીન સુકાઈ રહી હોવાથી અંદાજે ૨૯ હજાર હેક્ટર જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે આ વરસાદ ડાંગર પકવતા ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયો છે. લાંબા સમયના સૂકા વાતાવરણ અને અસહ્ય બફારાથી લોકોને પણ મોટી રાહત મળી છે અને ૪૦ દિવસ બાદ થયેલી આ મેઘમહેરથી ખેતરોને નવજીવન મળતા ખેડૂતોના ચહેરા પર ફરી સ્મિત અને આશાની કિરણ જાગી છે.

મોડાસા વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને વડાલીમાં દોઢ ઇંચ અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ સાર્વત્રિક મેઘ મહેર થવાથી કિસાન આલમમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને મુરજાતા ચોમાસુ પાક તથા મગફળી અને કપાસ જેવા પાકોને વ્યાપક ફાયદો થવાની સાથે નવજીવન મળ્યું છે.

સાબરકાંઠામાં વરસાદ

વડોદરા શહેરમાં ભારે વરસાદ ખાબક્યો

વડોદરા શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો પરેશાન થયા હતા અને તંત્રની ચિંતામાં પણ વધારો થયો હતો. આ તરફ ભરૂચના જંબુસર અને તેના ટુંડાજ તેમજ કોરા કાવલી જેવા ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે એક મહિનાના લાંબા અંતરાલ બાદ શેરીઓમાં વરસાદી પાણી વહ્યા હતા અને આ સારા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે.

ગુજરાતમાં વરસાદ

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેર

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર યથાવત રહી છે, જેમાં વિશેષ કરીને કપરાડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક લો-લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. કપરાડાના કરર્ચોણથી દૂધની તરફ જતા માર્ગ પર આવેલો લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે બીજી બાજુ બુરલા ગામે કોલક નદીનો પુલ પણ ફરીથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પ્રકારની સ્થિતિમાં લો-લેવલના બ્રિજ પરથી લોકો પોતાની જાનના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે થોડા જ વરસાદમાં કપરાડામાં આ પ્રકારની મુશ્કેલીઓથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ગીર સોમનાથ વરસાદ


ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ

તાલાલા પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદને કારણે ચોમેર ઠંડક પ્રસરી જવાથી વાતાવરણ અત્યંત ખુશનુમા બની ગયું છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થતાં ધરતીપુત્રો અને ખેડૂતોમાં ખુશીની લહેર તેમજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ વરસાદના આગમનને લઈને વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ છવાયો છે અને ચોમાસું ફરીથી સક્રિય થયું છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી વહેવા લાગ્યા છે. વરસાદના આ આગમનને કારણે ધરતીપુત્રો અને ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.


ગુજરાત વરસાદ માહોલ

વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ

ડેસર તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે ભારે વરસાદ વરસતા ડેસર સહિત સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું અને માર્ગો પરથી નદીની જેમ વરસાદી પાણી વહ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 38 મિમી વરસાદ નોંધાવા સાથે સીઝનનો કુલ વરસાદ 538 મિમી પર પહોંચ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને એક મહિનાની આતુરતાનો અંત આવતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ભારે વરસાદ

અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સાઠંબામાં દોઢ ઇંચ અને મોડાસા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેઘરજ, બાયડ, ધનસુરા અને માલપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેતી પાકને મોટો ફાયદો થયો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.ખેરાલુ પંથકમાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેરાલુ શહેર ઉપરાંત ડભોડા, કુડા, નળુ, સાગથળા, ચોટીયા, કેશરપુરા અને નાનીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા તાપ અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

વડોદરામાં વરસાદ

આણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ

આણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેમાં ખાસ કરીને બોરસદ શહેરમાં વહેલી સવારથી જ એકધારો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે પણ વરસાદ ખાબક્યા બાદ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાને કારણે ભોભાફળી, જનતા બજાર અને રબારી ચકલા સહિતના મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા છે. માત્ર શહેરી જ નહીં પરંતુ બોરસદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાપા, કાવીઠા, દાવોલ, રાસ અને ઝારોલા સહિતના ગામોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. સતત પડી રહેલા આ વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

હેવી રેઈન

જૂનાગઢ અને રાજકોટમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન

રાજકોટમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જ્યાં આકાશમાંથી ધીમે-ધીમે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ હળવા વરસાદના કારણે શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા છે અને વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી જવાથી લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા, જ્યાં વહેલી સવારે ગિરનાર પર્વત પર માત્ર એક જ કલાકમાં એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા દામોદર કુંડમાં ચોમાસામાં પહેલીવાર પાણી આવવાથી જળસ્તર વધ્યું હતું તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કાળવા નદીમાં સિઝનમાં પહેલીવાર પૂર આવતા નદી બંને કાંઠે ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ હતી. બીજી બાજુ મોરબી પંથકના હળવદ અને માળિયા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રેથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળવાની સાથે ઊભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે.

આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0