Gujarat : CMએ રાજ્યમાં માર્ગ-પુલની મરામતની વીડિયો વોલ મારફતે સમીક્ષા કરી, અધિકારીઓને આપી આ સૂચનાઓ

Jul 15, 2025 - 18:00
Gujarat : CMએ રાજ્યમાં માર્ગ-પુલની મરામતની વીડિયો વોલ મારફતે સમીક્ષા કરી, અધિકારીઓને આપી આ સૂચનાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામતોના કામોની સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ.

કામગીરીનું અધિકારીઓ મોનિટરિંગ કરે

તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહનવ્યવહાર યોગ્ય થાય એટલું જ નહિં, નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં ઈજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે, નાની-નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે. તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, માર્ગ-મકાન વિભાગના 24X7 કંટ્રોલરૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાઓની મોબાઇલ એપ છે તે એપ, વોટ્સએપ, વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે.

નાગરિકોની ફરિયાદના ત્વરિત નિવારણ માટે શહેરી ક્ષેત્રોમાં જે મિકેનિઝમ કાર્યરત છે તે અન્વયે મહાનગરોમાં નાગરિકોની મળેલી ૧૫,૪૨૪ ફરિયાદોમાંથી ૧૨,૦૨૩નો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે તેની વિગતો શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને આપી હતી. મુખ્યમંત્રીએ ઇ-નગર પોર્ટલ પર આવતી રજૂઆતોના સંદર્ભમાં નિયમિત ફોલોઅપ અને ફિલ્ડ ચેક માટે નિષ્ણાંત એજન્સીની મદદથી નિવારણ લાવવા પણ સૂચનો કર્યા હતાં. માર્ગ-મકાન વિભાગે કાર્યરત કરેલી ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર મળેલી ૩,૬૩૨ ફરિયાદોમાંથી ૯૯.૬૬ ટકાનું નિવારણ લાવી દેવાયું છે. આ વિગતો માર્ગ મકાન સચિવ પટેલિયાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.

મરામત કામોની સાઈટ વિઝિટ કરવા સૂચના આપી

મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળના પ્રયત્નો અને બહોળી પ્રસિધ્ધી તેમજ નાગરીકોના હકારાત્મક પ્રતિસાદના કારણે છેલ્લા ૩ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦૭૬૭થી વધીને ૨૮૪૪૯ થયો છે. આમ, નવા ૧૭૬૮૨ નાગરિકો (૧૬૪% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. રાજય સરકાર આ એપ્લિકેશનનો લોકો લાભ લઈ શકે તે માટે સતત પ્રચાર અને પ્રસાર કરી રહી છે. મુખ્યમંત્રીએ જે મરામત કામો હાથ ધરાય તેનું સતત મોનિટરિંગ અધિકારીઓ, સંબંધિત મહાનગરો તથા જિલ્લા તંત્રવાહકો દ્વારા ફિલ્ડ વિઝીટ કરીને થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન વિભાગે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જે પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે તેના સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી થાય અને મરામત કામમાં ક્વોલિટી જળવાય તેની ખાતરી કરવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0