ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે.પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.