Gujarat 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડા મામલે પ્રથમ ક્રમે પહોંચ્યું

Feb 16, 2025 - 14:30
Gujarat 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડા મામલે પ્રથમ ક્રમે પહોંચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે એ ફરી એક વખત સાબિત થઈ ગયું છે. નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યએ નાણાંકીય વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2%ના જાહેર દેવા સાથે ગુજરાત મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછું દેવું ધરાવતા રાજ્ય તરીકે ઊભર્યું છે, જે તેનું સક્ષમ નેતૃત્વ અને વ્યૂહાત્મક આર્થિક આયોજન સૂચવે છે.

ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવામાં 4.5%નો ઘટાડો
NCAERના રિપોર્ટ અનુસાર, ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં છેલ્લા 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો કર્યો છે. આ નોંધનીય સિદ્ધિની પ્રશંસા કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “NCAERના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ મને એ જણાવતાં આનંદ થાય છે કે, ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાનાં ગુણોત્તરમાં 4.5% જેટલો ઘટાડો કર્યો છે, જે ભારતના તમામ મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન અને રાજકોષીય દૂરદર્શિતાનો પુરાવો છે.”

રાજકોષીય જવાબદારી અને આર્થિક વિકાસ માટે ગુજરાતનો સંતુલિત અભિગમ
NCAER રિપોર્ટના આંકડા એ દર્શાવે છે કે, ગુજરાતે નાણાંકીય શિસ્તમાં ઉત્કૃષ્ટ માપદંડ સ્થાપિત કરીને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરી છે. રિપોર્ટ અનુસાર, 2022-23માં ગુજરાતનો કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાનો ગુણોત્તર 18.9% હતો, જે 2023-24માં ઘટીને 18.2% થયો છે. જ્યાં ઘણાં રાજ્યોના જાહેર દેવાના સ્તરમાં વધારો થયો છે, ત્યાં ગુજરાતે પ્રશંસનીય ઘટાડો નોંધાવ્યો છે. ગુજરાતે 7.4 વર્ષની સરેરાશ પરિપક્વતા સાથે સ્ટેટ સિક્યોરિટીઝ પર 7.5% સરેરાશ વ્યાજદર જાળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ રાજ્યની રાજકોષીય જવાબદારી અને આર્થિક વિકાસ માટે સંતુલિત અભિગમ દર્શાવે છે.બેરી આઇચેનગ્રીન અને પૂનમ ગુપ્તાના NCAER વર્કિંગ પેપર ‘ધ સ્ટેટ ઑફ ધ સ્ટેટ્સ: ફેડરલ ફાઈનાન્સ ઇન ઈન્ડિયા’ મુજબ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતનું દેવાનું સ્તર સ્ટેટ જીડીપીના 20%થી ઓછું છે, જે પંજાબ (47.6%) જેવા રાજ્યોની સરખામણીમાં ઘણું ઓછું છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, સુધારા ન થાય તો રાજ્યો વચ્ચેની નાણાંકીય અસમાનતા વધી શકે છે.

મુખ્ય રાજકોષીય સૂચકાંકો
- નાણાંકીય શિસ્ત:
ગુજરાતે મહેસૂલ ખાધ, રાજકોષીય ખાધ અને બાકી જવાબદારીઓ સહિત મુખ્ય રાજકોષીય પરિમાણોનું 90%થી વધુ પાલન કર્યું છે.
- રાજકોષીય ખાધ:
રાજ્યની સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3% છે.
- આર્થિક વૃદ્ધિ:
ગુજરાતે GSDPમાં 12%ની વૃદ્ધિ હાંસલ કરી છે, જે આર્થિક પ્રગતિ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
-ગુજરાતનો નાણાંકીય વ્યવસ્થાપનનો અભિગમ નાણાંકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને સાથે નોંધપાત્ર આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આ બાબત તેને રોકાણ માટેનું મુખ્ય સ્થળ બનાવે છે. અર્થતંત્રના વિકાસમાં નાણાંકીય બાબતોનું સમજદારીપૂર્વક સંચાલન કરવાનો આ અભિગમ અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)નો સ્ટેટ ફાઇનાન્સિસ રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)નો સ્ટેટ ફાઇનાન્સિસ રિપોર્ટ પણ ગુજરાતનું મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન દર્શાવે છે. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ કરતાં ગુજરાતનો તફાવત સૌથી ઓછો છે. તે રાજ્યના નાણાકીય સ્વાસ્થ્યમાં રોકાણકારોના મજબૂત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. NCAER પેપરમાં 21 મુખ્ય રાજ્યોના દેવાના સ્તરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના જાહેર દેવામાં ઘટાડો થયો છે, જ્યારે મોટાભાગના અન્ય રાજ્યોએ છેલ્લા દાયકામાં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં વધારો નોંધાવ્યો છે. શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપન અને આર્થિક પ્રગતિ ગુજરાતને ભારતના આર્થિક પરિદૃશ્યમાં એક અગ્રણી રાજ્ય બનાવે છે, જે 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનમાં તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0