Gujaratમાં ટીબીને લઈ 7 લાખ 68 હજારથી પણ વધુ દર્દીઓને સહાય ચૂકવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી. સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પપૂર્તિની દિશામાં ગુજરાતનું આરોગ્ય વિભાગ સુંદર કામગીરી કરી રહ્યું છે, જેના પરિણામે આજે અનેક દર્દીઓએ ટીબીને હરાવ્યો છે.
ટીબીને હરાવવો શક્ય બન્યો
મંત્રીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે. રાજયના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટી.બી. એ રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.“૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે ટીબીના દર્દીઓ, ટીબી ચેમ્પિયન અને સાજા થયેલ ટીબીના દર્દીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે આ દર્દીઓએ ટીબીને હરાવ્યો છે તેવી જ રીતે ટીબીનો કોઈ પણ દર્દી છ મહિનાની સંપૂર્ણ સારવાર લઈને ટીબીને મ્હાત આપી શકે છે. સરકારનાં પ્રયત્નો અને નાગરીકોના સહયોગના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.
૯૦ ટકા દર્દીઓને સાજા કરી શકાયા
ટીબીના દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂ. ૧૦૦૦ પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી અપાય છે. અત્યારસુધી આ યોજના અંતર્ગત ગુજરાતમાં ટીબીના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય ડીબીટી માધ્યમથી અપાઈ છે. દર વર્ષે આવતા ટીબીના ૧ લાખ ૪૦ હજાર કેસોમાંથી ૯૦ ટકા દર્દીઓને સાજા કરી શકાયા છે. ૧૦૦ દિવસની ખાસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ દરમિયાન ટીબી રોગના સંભવિત દર્દીઓને શોધીને વિવિધ તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવે છે.
ટીબીની સારવાર માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ
આ ઝૂંબેશ દરમિયાન થનાર વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બની ટીબી નિર્મૂલનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના અભિયાનમાં સહભાગી બની ગુજરાતને ટીબી મુકત કરવા અને આપણાં ગામને ટીબી મુકત બનાવવા સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ બનવા મંત્રીએ અપીલ કરી હતી.આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, ટીબીનો રોગ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, તેથી આ રોગના દર્દીઓએ કોઈ પણ શરમ રાખ્યા વિના અને ગભરાયા વિના તેની નિયમિત અને સંપૂર્ણ સારવાર લેવાથી બિમારીમાંથી મુક્ત થઈ શકાય છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા ૩૫ વર્ષમાં મેડિકલ સાયન્સમાં ઘણી પ્રગતિ થઈ છે. જેના પરિણામે ટીબીના રોગની તપાસ અને સારવાર સરળ બની છે. આજે રાજ્યના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટીબી ચેમ્પિયન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આયોજિત આ સેમિનારમાં ટીબી ચેમ્પિયન અને ટીબીના દર્દીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આજે યોગ્ય નિદાન અને સારવાર થકી ટીબીને હરાવવો શક્ય બન્યું છે. તેમણે ટીબી જેવા અસાધ્ય રોગમાંથી મુક્ત કરાવવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ટીબી નિર્મૂલન ઝૂંબેશ એ અમુક દિવસો પૂરતી સીમિત નહીં, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. આ રોગને સરકારની સાથે સાથે સમાજના સહયોગથી સંપૂર્ણ રીતે મુક્ત કરી શકાય છે.આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, રૂરલ આરોગ્ય કમિશ્નર રતનકંવરબા, ડે. મ્યુનિસિપલ કમિશ્નર જે. એન. ભોરણીયા, આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નીલમ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ટીબીના દર્દીઓ અને ટીબી ચેમ્પિયન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






