Dahod: ગરબાડા ચોકડી પાસે વાવાઝોડામાં મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ શહેરમાં ગત મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ માત્ર કુદરતી આફત જ નથી સર્જી, પરંતુ સરકારી તંત્ર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના એન્જિનિયરોની ઘોર બેદરકારી પણ સપાટી પર લાવી દીધી છે. શહેરના વ્યસ્ત ગણાતા ગરબાડા ચોકડી વિસ્તારમાં સ્માર્ટ સિટી અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે ઊભું કરાયેલું લોખંડનું એક વિશાળકાય ડિજિટલ સાઇન બોર્ડ પ્રચંડ પવનના કારણે પાયામાંથી ઉખડીને રોડ પર ફંગોળાયું હતું. આ ગોઝારી ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા અથવા આશ્રય લઈ રહેલા ૩ લોકો બોર્ડના ભારેખમ લોખંડના એંગલો નીચે ચગદાઈ ગયા હતા, જેમનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું હતું.
પાતળા નટ-બોલ્ટ પર ટકેલો હતો લાખોનો પ્રોજેક્ટ
આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા સ્થાનિક નાગરિકો અને મીડિયા સમક્ષ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હજારો કિલો વજન ધરાવતું આ સ્માર્ટ સાઇન બોર્ડ જે પિલર પર ઊભું હતું, તેના જોઈન્ટ્સમાં અત્યંત હલકી ગુણવત્તાના અને સાવ પાતળી સાઇઝના નટ-બોલ્ટ વાપરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગના સામાન્ય નિયમોને નેવે મૂકીને કરાયેલી આ નબળી કામગીરી પ્રચંડ પવનનો એક ઝાપટો પણ સહન કરી શકી નહીં. લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેને કારણે આજે ૩ માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જવાબદારો સામે આકરા પગલાંની માગ, પોલીસ દોડતી થઈ
દુર્ઘટનાને પગલે ગરબાડા ચોકડી પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ આ માટે જવાબદાર એજન્સી, કોન્ટ્રાક્ટર અને ગુણવત્તા ચેક કરનાર સરકારી અધિકારીઓ સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી ત્વરિત ધરપકડ કરવાની માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ સ્માર્ટ સિટીના આ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાઓની તપાસ માટે એફએસએલ (FSL) અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સની મદદ લેવાની કવાયત શરૂ કરી છે.
આ પણ વાંચો: Anand: વિદ્યાનગરમાં મધરાત્રે મીની વાવાઝોડાનું તાંડવ, ધૂળની ડમરીઓ સાથે તૂટી પડ્યો વરસાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

