Bhavnagar મનપાના રાજકીય માહોલમાં ભારે ગરમાવો, સાધારણ સભામાં વિપક્ષનો અનોખો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર મહાનગરપાલિકાની આજે મળેલી સાધારણ સભા રાજકીય ઘર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યાં વિપક્ષના સભ્યોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. વિપક્ષી સભ્યો વોટ ચોર, ગાદી છોડ લખેલી વિવાદાસ્પદ ટી-શર્ટ પહેરીને સભાગૃહમાં પહોંચ્યા હતા. જેને કારણે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર રકઝક અને સૂત્રોચ્ચાર થયા હતા. વિપક્ષના આ આક્રમક વલણના કારણે સભા તેના નિર્ધારિત સમય કરતાં આશરે 30 મિનિટ મોડી શરૂ થઈ હતી.
વિપક્ષો વોટ ચોર ગાદી છોડના ટીશર્ટ પહેરી આવ્યા
વિપક્ષે ધારણા મુજબ જ હોબાળો શરૂ કરી દીધો હતો અને શાસક પક્ષના સભ્યો પણ વિપક્ષના આ પહેરવેશને જોઈને અચરજમાં મુકાયા હતા. સત્તાધારી પક્ષના સભ્યોએ તરત જ મેયર સમક્ષ વિનંતી કરી હતી કે વિપક્ષના સભ્યોને સભાગૃહની ગરિમા જાળવીને તેમના ટી-શર્ટ કાઢી નાખીને સભામાં બેસવા માટે આદેશ આપવામાં આવે. શાસક પક્ષની આ માંગને પગલે વિપક્ષ વધુ ઉશ્કેરાયો હતો અને બંને પક્ષો વચ્ચે તીવ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. સભાગૃહમાં જોરદાર સૂત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ એટલું તણાવપૂર્ણ બની ગયું કે સભાનું સંચાલન કરવું અશક્ય બન્યું.
શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે સુત્રોચ્ચાર
પરિણામે મેયરના આદેશથી કાર્યવાહી હાથ ધરી હતી અને વિરોધ કરી રહેલા વિપક્ષના કેટલાક સભ્યોને ટીંગાટોળી કરીને સભાગૃહની બહાર કાઢી મૂક્યા હતા. સૂત્રોચ્ચાર અને અંધાધૂંધી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા સાધારણ સભાને તેના નિયત મુદ્દાઓ પર લાંબી ચર્ચા કર્યા વિના જ જલદી આટોપી લેવામાં આવી હતી. વિપક્ષે આ કાર્યવાહીને લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જ્યારે શાસક પક્ષે સભાની ગરિમા જાળવવાનો કાયદેસરનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનાએ ભાવનગર મનપાના રાજકીય માહોલમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
What's Your Reaction?






