Bhavnagar Fake Liquor Case: આ પહેલી ઘટના નથી! વાંચો લઠ્ઠાકાંડ, નકલી દારુ અને મોતના માતમનો ઈતિહાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં હોવા છતાં સમયાંતરે ગેરકાયદે દારૂ અને ઝેરી કેમિકલના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. સામાન્ય રીતે રાજ્યમાં ગેરકાયદે દેશી દારૂના અડ્ડાઓ પર લઠ્ઠાકાંડ સર્જાતા હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બ્રાન્ડેડ વિદેશી દારૂ (IMFL)ની બોટલોમાં દેશી દારૂ અને ઝેરી કેમિકલ ભેળવીને વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.
ગામના યુવક વિશ્વરાજસિંહ ગોહિલનું પોલીસ ભરતીમાં સિલેક્શન થતાં તેણે મિત્રો માટે દારૂ અને જમવાની પાર્ટી યોજી હતી. જોકે, દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ નામના યુવકનું શંકાસ્પદ મોત થતાં જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોતજોતામાં મૃત્યુઆંક વધવા લાગ્યો અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ભાવનગર ખરકડી ઘટનાની તમામ વિગતો અને પોલીસ કાર્યવાહી
આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર, ગાંધીનગર ગૃહ વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં આવ્યું છે.
મૃત્યુઆંક અને હોસ્પિટલની સ્થિતિ: અત્યાર સુધીમાં ઉપેન્દ્રસિંહ ચંદુસિંહ ગોહિલ, કાર્તિક અશ્વિનભાઈ મકવાણા અને નરેન્દ્રસિંહ યાદવ સહિત સત્તાવાર રીતે 4 અને 1 શંકાસ્પદ મળી કુલ 5 લોકોના મોત થયા છે.
દર્દીઓની સ્થિતિ: કુલ 18થી વધુ દર્દીઓ સર ટી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાંથી 4 દર્દીઓ ICU માં છે, 2 વેન્ટિલેટર પર છે, જ્યારે 10 દર્દીઓની હાલત સ્થિર છે.
ગાંધીનગરથી મેડિકલ ટીમો: દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ વડાની માંગણી બાદ ગાંધીનગરની જીવરાજ મહેતા હોસ્પિટલથી 2 વિશેષ મેડિકલ ટીમો તાત્કાલિક ભાવનગર રવાના કરવામાં આવી હતી.
ઉજ્જૈન કનેક્શન અને મોડસ ઓપરેન્ડી
મુખ્ય આરોપી ભાવનગરના બૂટલેગર ગૌતમ સોલંકી તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈનના આરોપીઓ રઈશ અને મુકેશે ભેગા મળીને આ નેટવર્ક ચલાવ્યું હતું. ઉજ્જૈનથી લવાયેલી 'Royal Stag' ની ખાલી/અસલ બોટલોમાં દેશી દારૂ અને મિથેનોલ મિક્સ કરીને 250 નવી બોટલો ભરવામાં આવી હતી અને પ્રતિ બોટલ રૂ. 1,100 ના ભાવે વેચવામાં આવી હતી.
પોલીસ એક્શન
રેન્જ IG રાજેન્દ્ર અસારી, SMC ના PI અને સ્થાનિક અધિકારીઓની 2 કલાકથી વધુ સમય ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પોલીસે ગૌતમ, રઈશ અને મુકેશ સહિત 13 જેટલા બૂટલેગરોની અટકાયત કરી છે. ઘટના સ્થળેથી અને દરોડા દરમિયાન 130થી વધુ બોટલો કબ્જે કરી સેમ્પલ FSL ચકાસણી માટે મોકલ્યા છે.
તંત્રની ખાસ અપીલ
ભાવનગર જિલ્લા કલેક્ટર અને સ્પેશિયલ વિજિલન્સ ટીમે સ્પષ્ટ અપીલ કરી છે કે, રવિવાર કે સોમવાર દરમિયાન જે પણ લોકોએ આવી શંકાસ્પદ બોટલમાંથી દારૂનું સેવન કર્યું હોય, તેઓ કોઈપણ લક્ષણ વગર પણ તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવે જેથી સમયસર જીવ બચાવી શકાય.
લઠ્ઠો એટલે શું? અને મેડિકલ સાયન્સનું ગણિત
સામાન્ય ભાષામાં 'લઠ્ઠો' એટલે ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલો ઝેરી દારૂ.
નફો વધારવાની લાલચ: બૂટલેગરો દારૂમાં નશો ઝડપથી ચડે, દારૂ વધુ કડક એટલે કે સ્ટ્રોંગ બને અને ઓછા ખર્ચે વધુ જથ્થો તૈયાર થાય તે માટે તેમાં ઝેરી રાસાયણિક પદાર્થો ઉમેરે છે.
ભેળસેળનું જોખમ: જ્યારે બનાવટી દારૂ બનાવતી વખતે કેમિકલનું પ્રમાણ અંકુશ બહાર જતું રહે છે, ત્યારે તે સામાન્ય આલ્કોહોલને બદલે અત્યંત ઝેરી પ્રવાહી એટલે કે 'લઠ્ઠો' બની જાય છે.
એથેનોલ અને મિથેનોલ: કાયદેસર કે પીવા યોગ્ય દારૂમાં એથિલ આલ્કોહોલ હોય છે. પરંતુ નફો વધારવા કે નશો કડક કરવા બૂટલેગરો તેમાં મિથાઈલ આલ્કોહોલ (Methanol - CH_3OH)
ઔદ્યોગિક કેમિકલ: મિથેનોલ એ રંગવિહીન ઝેરી કેમિકલ છે, જેનો ઉપયોગ સોલ્વન્ટ તરીકે પ્લાસ્ટિક, એસેટિક એસિડ અને પેઇન્ટ બનાવવામાં થાય છે.
મિથેનોલ શરીરમાં કેવી રીતે ઝેર ફેલાવે છે?
શરીરમાં મિથેનોલ જતાં જ 2 કલાકની અંદર તેની ખતરનાક રાસાયણિક અસર શરૂ થાય છે.
ફોર્મિક એસિડનું નિર્માણ: મિથેનોલ શરીરમાં ગયા પછી લીવર દ્વારા 'ફોર્મિક એસિડ'માં રૂપાંતરિત થાય છે. આ એસિડ લોહીમાં ભળીને શરીરના કોષોને તોડી નાખે છે.
શરૂઆતી લક્ષણો: વ્યક્તિને સૌથી પહેલા સખત માથાનો દુખાવો, અકળામણ, બેચેની, ચક્કર અને સતત ઉલટીઓ થાય છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
અંધાપો અને મોત: ફોર્મિક એસિડ સીધું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને વિઝ્યુઅલ નર્વ (આંખની દ્રષ્ટિ વિષયક નસો) પર પ્રહાર કરે છે, જેનાથી વ્યક્તિ સૌપ્રથમ પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. જો શરીરમાં કેમિકલનું પ્રમાણ વધુ હોય તો દર્દી કોમામાં સરી પડે છે અથવા મલ્ટી-ઓર્ગન ફેલ્યોર થવાથી તેનું મોત નીપજે છે

તાજેતરમાં પકડાયેલા નકલી દારૂના નેટવર્ક
મહેસાણામાં નકલી દારૂનું રેકેટ (મે 2026): પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી નકલી દારૂ બનાવવાનું કારખાનું પકડ્યું હતું. સ્થળ પરથી 1,000 લીટર ઇથેનોલ, પ્રીમિયમ બ્રાન્ડની 2,100 નકલી દારૂની બોટલો, ખાલી બોટલો અને સીલિંગ મશીનરી જપ્ત કરાઈ હતી.
અમદાવાદ શાહપુર ફેક્ટરી (ઓગસ્ટ 2026): PCB એ શાહપુર મોઢવાડની પોળમાં દરોડો પાડીને ખુલાસો કર્યો હતો કે, આરોપીઓ ખાલી બ્રાન્ડેડ બોટલોમાં સસ્તો દારૂ, પાણી અને કેમિકલ ફ્લેવર ઉમેરી રૂ. 2,000 થી રૂ. 5,000 માં વેચતા હતા. સ્થળ પરથી 227 ભરેલી બોટલો, 127 ખાલી બોટલો, બનાવટી સ્ટિકર્સ અને 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
ભાવનગર ખરકડી દારૂકાંડ (ઓગસ્ટ 2026): ઉજ્જૈનથી લવાયેલા જથ્થામાં મિથેનોલ અને દેશી દારૂ મિશ્ર કરી 250 બોટલો બનાવી રૂ. 1,100 ના ભાવે વેચવામાં આવી હતી.
ગુજરાત અને દેશમાં લઠ્ઠાકાંડનો કાળો ઈતિહાસ
- 1977 (અસારવા, અમદાવાદ): અસારવા લઠ્ઠાકાંડમાં 120થી વધુ લોકોના મોત થયા હતા.
- 1989 (વડોદરા): કહોડા ગલી લઠ્ઠાકાંડમાં 132 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 2009 (ઓઢવ, અમદાવાદ): ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયા હતા અને 200 લોકોએ આંખો ગુમાવી હતી. આ કેસમાં ખાસ અદાલતે 10 વર્ષ બાદ 3 આરોપીઓને 10 વર્ષની જેલ અને રૂ. 50,000 દંડ તથા 3 મહિલા આરોપીઓને 3.5 વર્ષની જેલ ફટકારી હતી. આ ઘટના બાદ સરકારે કાયદામાં સુધારો કરી મૃત્યુદંડની જોગવાઈ ઉમેરી હતી.
- 2012 (સંખેડા, વડોદરા): પાણેજ ગામમાં ઝેરી દારૂથી 3 વ્યક્તિઓના મોત નોંધાયા હતા.
- 2016 (સુરત): લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોના મોત થયા હતા.
- 2019 (ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ): યુપીના બે જિલ્લા અને રુડકીમાં ઝેરી દારૂ પીવાથી 60થી વધુ લોકોના મોત થયા હતા.
- 2022 (બોટાદ/અમદાવાદ): રોજીદ ગામ ખાતે કેમિકલ મિશ્રિત દારૂ પીવાથી 42થી વધુ લોકોના મોત થયા હતા.
- પશ્ચિમ બંગાળ (હાવડા): ઘસુડીમાં ઝેરી દેશી દારૂ પીવાથી 10 લોકોના મોત અને 30 ગંભીર રીતે બીમાર થયા હતા

પરમિટ, વાઇન શોપ અને આંતરરાજ્ય સીમાઓના આંકડા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં કાયદેસર વ્યવસ્થા અને ગેરકાયદે ઘૂસણખોરીનો ચિતાર ઘણો ગંભીર છે.
- અધિકૃત વાઇન શોપ: રાજ્યની માન્ય ફાઇવ સ્ટાર અને પ્રીમિયમ હોટલોમાં આશરે 70 કાયદેસર વાઇન શોપ આવેલી છે.
- હેલ્થ પરમિટ ધારકો: તબીબી કારણોસર કાયદેસર દારૂની પરમિટ ધરાવતા નાગરિકોની સંખ્યા આશરે 1 લાખની આસપાસ છે.
- આંતરરાજ્ય રસ્તાઓ: મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દમણ સરહદથી ગુજરાતમાં પ્રવેશતા આશરે 150 જેટલા નાના-મોટા રસ્તાઓ છે.

છેલ્લા 5 વર્ષમાં દારૂની જપ્તીના સરકારી આંકડા
વિધાનસભા અને પોલીસ વિભાગના સત્તાવાર ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, રાજ્યમાં કાયદેસર દારૂ પરમિટ ધારકો 100,000 લોકો છે. જ્યારે માન્ય વાઇન શોપની સંખ્યા 70 છે.
આ પણ વાંચો - Ahmedabad Metro Phase 3: ધોલેરા એરપોર્ટ અને કોમનવેલ્થ ગેમ્સ સ્થળ સુધી પહોંચશે મેટ્રો, જાણો સ્ટેશન અને રૂટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

