Bayad: બાયડના દિપેશ્વરી ધામમાં માતાજીના ભક્તોનો મહેરામણ : મહાપ્રસાદનું અન્નક્ષેત્ર ધમધમી ઊઠયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બુધવારે ગુરૂપુર્ણીમાના પાવન અવસરે મંદિરો અને દેવાલયોમાં શ્રાદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. બીજી તરફ શિષ્યોએ પોતાના માનેલા ગુરૂજનોની ગુરૂવંદના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અરવલ્લી જિલ્લાના બાયડના વિખ્યાત દિપેશ્વરી ધામ ખાતે માતાજીના ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ગુરૂપૂર્ણિમાનું પર્વ હોય અને ગુરૂજનોના આશીર્વાદ મેળવ્યા ન હોય તેવો ભાગ્યે જ કોઇ શિષ્ય જોવા મળશે. આજે પાવન દિવસે શિષ્યો અને ભક્તજનો પોતાના માનેલા ગુરૂના આશીર્વાદ મેળવવા ઉપડી ગયા હતા. ગુરૂના આશીર્વાદ સાથે જીવનમાં સફળતાની ગુરૂચાવી પણ મેળવી હતી. બીજી તરફ બંન્ને જિલ્લામાં મંદિરો અને દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. અરવલ્લી જિલ્લાના વિખ્યાત બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે માં દિપેશ્વરીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા દિપેશ્વરી ધામ ખાતે ઉમટી પડયા હતા. ગત મંગળવારે રાત્રે 12 વાગ્યાથી મંગળા આરતીના દર્શન કરવા સવારે 4 વાગ્યા સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના દર્શનાર્થે આવતા પગપાળા શ્રાદ્ધાળુઓ માટે પાણી તેમજ ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી ગુણવંતભાઈ રાવલને ફૂલહાર પહેરાવી ભક્તોએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી. આજે સવારથી જ ઉંટરડા દિપેશ્વરી ધામ તરફ જતા રસ્તાઓ વાહનો અને ભક્તોથી જાણે ઉભરાયા હતા. ચારેકોર દર્શનાર્થીઓની ચિક્કાર ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન માતાજીનું મહાપ્રસાદ અન્નક્ષેત્ર ધમધમ્યું હતું. મોટી સંખ્યામાં આવેલા માતાજીના ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉંટરડા તરફ જતા રસ્તાઓ પર વાહનોનો ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. આંબલિયારા પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. દિપેશ્વરી મંદિર ટ્રસ્ટ મંડળના નવીનભાઇ પંડયાના જણાવ્યા પ્રમાણે અરવલ્લી ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ખેડા, ગાંધીનગર સહિતના જિલ્લાઓ તેમજ રાજ્યભરમાંથી દિવસ દરમિયાન અંદાજે એક લાખ કરતાં વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બંન્ને જિલ્લામાં દેવાલયો, મંદિરોમાં શ્રાદ્ધાળુઓ, ભાવિકોની ભારે ભીડ ભગવાનના દર્શનાર્થે ઉમટી પડી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

