છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું યુવાધન બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યું છે. પોતાના જીવનની કારકિર્દી બનાવવાનો સમય અને આવો અમૂલ્ય સમય કેટલાક યુવાનો પોતાની બરબાદી પાછળ વેડફી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આવા 2 લબરમુછીયા શખ્સઓની લૂંટ કાંડની ઘટના સામે આવી છે.
ઈકો કારના ચાલકને 2 યુવકોએ છરો બતાવી ગાડી પડાવી લીધી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા ગોળા ગામ નજીકથી અઢી માસ અગાઉ એક ઈકો કારની લૂંટની ઘટના સામે આવી હતી. અઢી માસ અગાઉ અંબાજી તરફથી આવી રહેલી એક ઈકોમાં સવાર 2 લબરમૂછીયઓએ ઈકો કારને પેશાબ કરવાના બહાને ગોળા ગામ નજીક ઉભી રખાવી અને તે બાદ ઈકોમાંથી નીચે ઉતરી ઈકો ચાલકને છરો બતાવી ઈકો કાર પડાવી, બંને શખ્સો ઈકો લઈ છુમંતર થઈ ગયા હતા. જોકે ઘટનાને પગલે પીડિત ઈકો ચાલકે પાલનપુર તાલુકા પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જોકે ઈકો લુંટી ફરાર થયેલા શખ્સો હાથે ન લાગતા આખરે બનાસકાંઠા જિલ્લાની એલસીબી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
બંને યુવકોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યા
અઢી માસથી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ જગ્યાના સીસીટીવી ખંગોળ્યા હતા, પરંતુ આરોપીઓનો કોઈ પતો જ લાગતો ન હતો. જોકે તેવામાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે પાલનપુરના ચિત્રાસણી નજીકથી અઢી માસ આગાઉ ઈકોની લૂંટ કરનારા બે શખ્સોને દબોચી લીધા અને તે બાદ બંનેને પાલનપુર એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા બંને શખ્સોમાંનો એક ફતેસિંહ વસંતસિંહ ડાભી (રહે.ધોરી, વડગામ) તેમજ બીજો દશરથસિંહ વિક્રમસિંહ ચૌહાણ (રહે. કરઝા, અમીરગઢ) હોવાનું અને બંને શખ્સોએ સાથે મળી ઈકોની લૂંટ ચલાવી હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ પોલીસે આ બંને શખ્સઓને દબોચી બંને શખ્સોની વધુ પૂછપરછ કરી તો આ બંને શખ્સોએ આ પ્રથમ ગુનાને અંજામ નથી આપ્યો, પરંતુ આ પહેલા પણ તેઓએ વાહન ચોરીના એક ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે અત્યારે તો આ બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.