Banaskantha News : અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા, તીર્થ દર્શન સર્કિટથી ધાર્મિક સ્થળોની સફર બનશે સહેલી

Oct 17, 2025 - 08:30
Banaskantha News : અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા, તીર્થ દર્શન સર્કિટથી ધાર્મિક સ્થળોની સફર બનશે સહેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજી ખાતે એક નવતર યાત્રિક લક્ષી પ્રયોગ અમલમાં આવી રહ્યો છે જેનું નામ છે અંબાજી તીર્થ દર્શન. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો, ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે આજરોજ અંબાજી ખાતેથી શ્રી અંબાજી તીર્થદર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું હતું. અંબાજી તીર્થ દર્શન અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનની ઓફીસ તૈયાર કરવામાં આવી છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં મેળવી શકશે. આ સાથે સુશિક્ષિત ગાઈડની મદદથી સર્વાંગી અંબાજી તીર્થધામના દર્શન પણ કરી શકાશે.

શું છે અંબાજી તીર્થ દર્શન પ્રોજેક્ટ?

ગુજરાત સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વિવિધ યાત્રિક લક્ષી સુવિધાઓ માટે સજ્જ છે. હવેથી અંબાજી આવનાર સૌ ભક્તો આ રૂટ થકી શ્રી શક્તિના પાવન ધામમાં આવેલા નાના મોટા સૌ ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકશે. શ્રી અંબાજી મંદિરથી આ સર્કિટનો આરંભ થશે અને કોટેશ્વરમાં પૂર્ણાહુતિ થશે, મા અંબાનું મૂળ સ્થાનક ગબ્બર તીર્થ, શ્રી ૫૧ શક્તિપીઠ દર્શન, શ્રી અંબાજી મંદિર, માનસરોવર કુંડ, શ્રી અજેય માતાનું મંદિર, કૈલાસ ટેકરી, માંગલ્ય વન, કુંભારિયા, રિંછડિયા મહાદેવનું મંદિર, કામાક્ષી મંદિર જેવા ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોને આવરી લેવાશે સાથે સાથે શ્રી અંબિકા સંસ્કૃત મહા વિધાલય, વન કવચ (મિયાવાકી વન), અંબાજીનો માર્બલ ઉધોગ અને SAPTI, અંબાજીનું મુખ્ય બજાર સહ આસપાસનાં કુદરતી સ્થળોને પણ આ સર્કિટ થકી જાણી માણી શકાશે.

શું છે અંબાજી તીર્થ દર્શનનું માળખું ?

અંબાજી તીર્થ દર્શન સર્કિટની કામગીરી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાં સંકલનમાં રહીને “અતુલ્ય વારસો” (હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર, ગાંધીનગર) દ્વારા કરવામાં આવશે. યાત્રિકો સરળતાથી આ સર્કિટનો લાભ મેળવી શકે એ માટે અંબાજી શક્તિદ્વાર પાસે પ્રવાસન માહિતી કેન્દ્ર ઉભું કરવામાં આવી રહ્યું છે ત્યાંથી યાત્રિકો આ સર્કિટ અંગે માહિતગાર થશે અને રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રવાસન કેન્દ્રમાં આવનાર સૌને શ્રી અંબાજી ધામ વિશે ઓડિયો વિઝ્યુઅલ અને મૌખિક રીતે માહિતગાર કરવામાં આવશે. અહીથી યાત્રિકો ગાઈડ, સાહિત્ય, માર્ગદર્શન મેળવી શકશે. અહી ‘અતુલ્ય વારસો’ તરફથી પ્રશિક્ષિત જનસંપર્ક અધિકારી અને ગાઈડ ઉપલબ્ધ રહેશે જે આવનાર યાત્રિકોને સુવિધા પૂરી પાડશે. શક્તિદ્વાર સામેના પાર્કિગથી ટુરનો આરંભ થશે.

અંબાજી તીર્થ દર્શન સર્કિટનો સમય ?
અંબાજી તીર્થ દર્શન સર્કિટ પ્રારંભિક તબક્કે પ્રતિ દિનમાં બે વાર આયોજિત થશે. જેમાં એક પ્રવાસ સવારે ૦૯થી ૦૧ અને બીજો પ્રવાસ બપોરે ૦૪થી ૦૭ સુધી રહેશે. હાલના પ્રારંભિક તબક્કે આ સર્કિટની ફીસ પ્રતિ વ્યક્તિ ૧૦૦/- રૂ. અને પ્રતિ બાળક (૦૬ થી ૧૨ વર્ષની વય, પાંચ વર્ષ સુધીના બાળક માટે ફ્રી રહેશે) માટે ૩૫/- રૂ. રાખવામાં આવી છે. જ્યારે શાળા-કોલેજના પ્રવાસ દરમ્યાન ગ્રુપમાં આવનાર વિધાર્થીઓ માટે આ ફીસ પ્રતિ વિધાર્થી ૨૫/- રાખવામાં આવી છે. અત્રે રજુ કરેલી ફીસમાં ટ્રાન્સપોર્ટેશન સામેલ નથી. પ્રારંભિક તબક્કે યાત્રિકો પોતાના વ્હીકલમાં આ સર્કિટમાં મુસાફરી કરવાની રહેશે, આગામી આયોજન દરમ્યાન વિશેષ વ્હીકલ તૈયાર કરવાનું આયોજન છે. અત્રેની ફીસમાં અંબાજી તીર્થ દર્શનને લાગતું પ્રારંભિક પ્રેઝન્ટેશન, જરૂરી સાહિત્ય અને ગાઈડની સુવિધાઓ પૂરી પડાશે.

અંબાજી તીર્થ દર્શન સર્કિટ થકી સ્થાનિક સ્તરે શું પરિવર્તન આવી શકશે?
અંબાજી તીર્થ દર્શન સર્કિટનો ઉદ્દેશ સ્થાનિક નાના મોટા દરેક દર્શનીય સ્થળોને ઉજાગર કરવાનો છે. અંબાજી આવનાર યાત્રિક અને સ્થાનિક લોકોનું જોડાણ વધે, સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે, યાત્રિક લક્ષી પ્રોડક્ટ જેવી કે સોવેનિયર, સાહિત્ય, સ્થાનિક ફૂડની માંગ વધે, યાત્રિકો અહી વધુ સમય રોકાય, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રાકૃતિક સ્થળોને પણ જાણે અને માણે. અંબાજી જેવા મોટા યાત્રાધામમાં સ્થાનિક લોકો જ ગાઈડ તરીકે આગળ આવે અને આવનાર યાત્રીકોને પોતાના દિવ્ય યાત્રાધામનું મહત્વ સમજાવે, સાચી અને સચોટ માહિતી આપે, ગેર માર્ગે દોરતી વાતોથી સતર્ક રાખે એ ઘણું મોટું પરિવર્તન હોઈ શકે. આગામી સમયમાં સ્થાનિક મહિલાઓ દ્વારા શક્તિનાં ધામમાં તૈયાર થયેલ આ અંબાજી તીર્થ દર્શન સર્કિટનું સંચાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમ વખતે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0