AMCના બ્રિજ કે પ્રજાના પૈસાની બરબાદી? કરોડો ખર્ચ્યા છતાં ક્યાંક ટ્રાફિક જામ, ક્યાંક બ્રિજ અધૂરા તો ક્યાંક તોડવાની નોબત

Sep 26, 2026 - 22:30
AMCના બ્રિજ કે પ્રજાના પૈસાની બરબાદી? કરોડો ખર્ચ્યા છતાં ક્યાંક ટ્રાફિક જામ, ક્યાંક બ્રિજ અધૂરા તો ક્યાંક તોડવાની નોબત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ પાછળ બ્રિજ બનાવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે કરોડોનો ખર્ચ થયા બાદ ટ્રાફિક ખરેખર ઘટે છે કે પછી એક સમસ્યા હટાવીને બીજી સમસ્યા ઊભી કરવામાં આવે છે? મકરબા રેલવે ઓવરબ્રિજના લેન્ડિંગ પોઇન્ટે આ સવાલને ફરી જીવંત કરી દીધો છે. 98.60 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ 24 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલ્લો મૂકાયા બાદ કોર્પોરેટ રોડ તરફ ટ્રાફિક બોટલનેકની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૌથી મોટો પ્રશ્ન છે કે આ પ્રકારની ખામી સર્જનારા અધિકારીઓ અને ઇજનેરો સામે શું પગલાં લેવાયા. કારણ કે પ્રજા પરસેવાના પૈસાથી કોર્પોરેશનને ટેક્ષ આપે છે અને કોર્પોરેશન ટેક્ષના પૈસાથી સુવિધાઓ ઉભી કરે છે ત્યારે સુવિધાઓ આપવાના નામે પ્રજાને તકલીફ થાય તેવા કૃત્ય કરાય તો આવા કૃત્યો કરનારા સામે કોર્પોરેશને પગલાં લેવા જ જોઇએ

બ્રિજ ઉતારવાનો નિર્ણય કે ટ્રાફિક વધારવાનો રસ્તો?

મકરબા તરફથી પ્રહલાદનગર તરફ આવતો બ્રિજ જે સ્થળે ઉતારવામાં આવ્યો છે ત્યાં જ વ્યસ્ત ચાર રસ્તા આવેલો છે. સામાન્ય રીતે ફ્લાયઓવરનો હેતુ વાહનોને વ્યસ્ત જંકશન અને સિગ્નલથી ઉપરથી પસાર કરાવવાનો હોય છે. પરંતુ અહીં બ્રિજનો છેડો જ જંકશન નજીક આવી જાય તો ઉપરથી આવતા વાહનો અને નીચેના રસ્તા પરથી આવતા વાહનો એક જ વિસ્તારમાં ભેગા થઇ જાય છે. અહીં સીધો સવાલ છે—ટ્રાફિક ઘટાડવા માટે બનાવેલા બ્રિજનો છેડો જ ટ્રાફિકવાળા જંકશન પાસે કેમ રાખવામાં આવ્યો?

AMC Bridge Projects: Cost, Design and Delay Questions

98.60 કરોડ ખર્ચાયા, હવે ટ્રાફિક માટે નવી ‘કેપ્સ્યુલ’ વ્યવસ્થા?

મકરબા બ્રિજનું આયોજન મકરબા, વેજલપુર, કોર્પોરેટ રોડ અને SG હાઇવે તરફની કનેક્ટિવિટી સુધારવાના હેતુથી કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજ શરૂ થયા બાદ જ જો ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર પડે તો ડિઝાઇન અને ટ્રાફિક ફ્લો અંગે ગંભીર ચર્ચા થવી સ્વાભાવિક છે.

ધારાસભ્યએ પણ પત્ર લખ્યો

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કોર્પોરેટ રોડ તરફ ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. બીજી તરફ AMC દ્વારા જંકશન પર ‘કેપ્સ્યુલ’ અભિગમથી ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની વાત કરવામાં આવી છે

પહેલા બ્રિજ બનાવી દીધો પછી ટ્રાફિકની ચિંતા કરી

નવાઇની વાત એ છે કે બ્રિજને મંજૂરી આપનારાથી માંડીને બ્રિજ પુરો કરનારા તમામ એન્જિનીયરો, અધિકારીઓને ખબર જ ન હતી કે આ બ્રિજની ડિઝાઇન જ ખોટી હતી. પહેલા બ્રિજ તૈયાર થયો, પછી બ્રિજની આસપાસ ટ્રાફિક કેવી રીતે સંભાળવો તેની કવાયત શરૂ થઈ. આ સ્થિતિ આયોજન પ્રક્રિયા સામે સવાલો ઊભા કરે છે.

AMC Bridge Projects: Cost, Design and Delay Questions

નરોડા પાટિયા: બ્રિજ બન્યો નહીં, ખર્ચ વધતો ગયો

માત્ર મકરબા બ્રિજ જ નહીં, અમદાવાદના અન્ય બ્રિજ પ્રોજેક્ટો પણ AMCની કામગીરી અને આયોજન અંગે સવાલો ઊભા કરે છે. નરોડા પાટિયા ફ્લાયઓવરનું કામ લાંબા સમયથી વિલંબમાં હોવાનું સામે આવ્યું છે. નરોડા પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટનો મૂળ ખર્ચ 198 કરોડ હોવાનું જણાવાયું હતું, જે વધીને 235 કરોડ સુધી પહોંચ્યો છે. જુલાઈ 2026ની પૂર્ણતાની સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ હોવાના મુદ્દે પ્રશ્નો ઉઠ્યા છે. રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલે અધિકારીઓ પાસે સાઇટ ક્લિયરન્સ, યુટિલિટી સિસ્ટમ, ડિઝાઇન, વિલંબ અને કોન્ટ્રાક્ટર સામેની પેનલ્ટી સહિતના મુદ્દે જવાબો માંગ્યા છે. સવાલો ઉભા થાય છે કે જ્યારે સાઇટ અને યુટિલિટીની પૂરતી સ્પષ્ટતા ન હોય ત્યારે વર્ક ઓર્ડર આપવાની ઉતાવળ શા માટે?હાટકેશ્વર: બ્રિજ બનાવ્યો, બંધ કર્યો અને અંતે તોડી નાખ્યો

અમદાવાદના હાટકેશ્વર ફ્લાયઓવરનો મામલો તો બ્રિજ આયોજનની ગંભીરતા સમજવા માટે મોટું ઉદાહરણ બની ગયો છે. 2017માં આશરે 34 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર બાદમાં ગંભીર માળખાકીય સમસ્યાઓને કારણે બંધ કરવો પડ્યો. નિષ્ણાત તપાસ બાદ બ્રિજને અસુરક્ષિત ગણાવ્યા પછી તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ. 2025માં AMC દ્વારા આશરે 3.90 કરોડના ખર્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.લોકોના ટેક્ષના પૈસાથી પહેલા બ્રિજ બનાવાયો અને બાદમાં તેને દૂર કરવા માટે ફરી જાહેર નાણાં ખર્ચાયા. અહીં સવાલ માત્ર એક બ્રિજનો નથી. સવાલ એ છે કે ડિઝાઇન, બાંધકામ, ગુણવત્તા નિયંત્રણ અને દેખરેખની જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા કેટલી અસરકારક છે?

AMC Bridge Projects: Cost, Design and Delay Questions
જૂના બ્રિજોની મરામત પણ હજુ પડકાર

અમદાવાદના જૂના બ્રિજોની જાળવણી પણ મોટો મુદ્દો છે. ગાંધી, સરદાર અને પરિક્ષિતલાલ મજમુદાર બ્રિજના ઇલાસ્ટોમેરિક બેરિંગ બદલવા માટે 21.55 કરોડની યોજના મંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ એલિસ બ્રિજના રિસ્ટોરેશનનો ખર્ચ 26.9 કરોડથી વધારીને 42.9 કરોડ કરવામાં આવ્યો હતો અને કામની સમયમર્યાદા અંગે પણ પ્રશ્નો સામે આવ્યા છે. એટલે શહેરમાં એક તરફ નવા બ્રિજ માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, તો બીજી તરફ જૂના બ્રિજના રિપેરિંગ અને જાળવણી પાછળ પણ સતત મોટો ખર્ચ થઈ રહ્યો છે.હવે AMCએ માત્ર પેચવર્ક નહીં, જવાબદારી નક્કી કરવી પડશે

અમદાવાદને બ્રિજનું શહેર કહેવું મુશ્કેલ નથી. પરંતુ બ્રિજોની સંખ્યા વધવી એ જ વિકાસનું પ્રમાણપત્ર નથી. બ્રિજ ક્યાં ઉતરે છે, ટ્રાફિક ક્યાં વળે છે, સિગ્નલની જરૂર પડશે કે નહીં, નીચેના માર્ગ પર કેટલો ટ્રાફિક છે, ભવિષ્યમાં ટ્રાફિક કેટલો વધશે અને બાંધકામ કેટલું ટકાઉ છે, આ તમામ સવાલોના જવાબ ડિઝાઇનના તબક્કે જ મળવા જોઈએ.

AMC Bridge Projects: Cost, Design and Delay Questions
ચાર વર્ષ પહેલાં અહીં ટીપી રોડ ન હોતો

આ મામલે સંદેશ ડિજીટલ સાથે વાત કરતા મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં અહીં ટીપી રોડ નહોતો, માત્ર આડો રોડ હતો. બ્રિજ બનાવવાનો નિર્ણય થયો ત્યારે પણ અહીં રોડની વ્યવસ્થા નહોતી. ત્યારબાદ ટીપી રોડ મુકાવીને રોડ બનાવવામાં આવ્યો. અમદાવાદમાં આવા ઘણા બ્રિજ છે. હવે અહીં કેપ્સ્યુલ કરી દેવામાં આવી છે. પરંતુ બ્રિજનું કામ 3 વર્ષ 10 મહિના ચાલ્યું, ત્યારે કોઈએ કોર્પોરેશનનું ધ્યાન કેમ દોર્યું નહીં? લાંબો બ્રિજ બનાવવો કે નહીં, તે ટેક્નિકલ રીતે વિચારવું જોઈએ. આખો વિષય ઉલટા સ્વરૂપે લેવામાં આવ્યો છે. આ બ્રિજની આસપાસ પહેલેથી જ 2 અંડરબ્રિજ છે. શ્યામલથી મકરબા સુધી 2 અંડરબ્રિજ અને 3 બ્રિજ આવેલા છે.કરોડોનું આયોજન ખરેખર કેટલું વિચારેલું હતું?

મકરબા બ્રિજના કિસ્સામાં હવે AMCએ માત્ર ટ્રાફિક સંભાળવા માટે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવાને બદલે સમગ્ર ટ્રાફિક ડિઝાઇનનું મૂલ્યાંકન જાહેર કરવું જોઈએ. કારણ કે પ્રજાના 98.60 કરોડ ખર્ચીને બનાવેલો બ્રિજ જો ફરી ચાર રસ્તાના ટ્રાફિકમાં જ અટવાઈ જાય, તો સવાલ માત્ર ટ્રાફિક જામનો નથી—સવાલ એ છે કે કરોડોનું આયોજન ખરેખર કેટલું વિચારેલું હતું?


આ પણ વાંચો :  Sandesh Digital Explainer : સ્કૂલ બેગ નહીં તો કોણ? બાળકોની પીઠના દુખાવાનું રહસ્ય તમને ચોંકાવશે!







What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0