Ahmedabad News : વિદેશ જતા લોકો સચેત રહો, બનાવટી વર્ક પરમીટ આપી રૂપિયા પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાવટી વર્ક પરમીટ આપી રૂપિયા પડાવી લેવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની એક વિઝા કન્સલ્ટન્સી કંપનીના ગ્રાહકોને ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે આવેલી અન્ય એક કન્સલ્ટન્સીના સંચાલકોએ બનાવટી વિઝા આપી તેમજ રૂપિયા પરત નહીં આપી એક કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી છે. સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે યુપીની કંપનીના એક આરોપીની ધરપકડ કરી છે.
વર્ક પરમિટ વિઝા કાઢી આપશે તેવી વાતચીત કરી વિશ્વાસમાં લીધા હતા
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી વિઝા કન્સલ્ટન્સી જે યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્ટુડન્ટ વિઝા તેમજ એજ્યુકેશન માટે વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાની કામગીરી કરે છે. જેની સાથે અન્ય એક બીજા કન્સલ્ટન્સી કંપનીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીના પ્રોપાઇટર સુભાષ અદક દ્વારા સેટેલાઈટ પોલીસ મથકમાં ઉત્તરપ્રદેશના નોઈડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીના સંચાલકો વરુણકુમાર, મહેક કુમારી અને પૂજાસિંગ સામે ફરિયાદ નોંધાવી છે. વિસ્ટોરી કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદની કંપનીને ઇ-મેલ મોકલી તેઓ વર્ક પરમિટ વિઝા કાઢી આપશે તેવી વાતચીત કરી વિશ્વાસમાં લીધા હતા.
ન્યૂઝીલેન્ડની આઠ જેટલી ફાઈલ માટેના વર્ક પરમીટ વિઝા મોકલ્યા હતા
જે બાદ અમદાવાદની કંપની દ્વારા નોઈડાની વિસ્ટોરી કન્સલ્ટન્સીને ઓસ્ટ્રેલિયાની 10 અને ન્યૂઝીલેન્ડની 19 ફાઈલો વર્ક પરમિટ વિઝા માટે મોકલી હતી.. તેમજ 1.13 કરોડથી વધુની રકમ પણ આંગડિયા દ્વારા મોકલી હતી. જોકે ત્રણ મહિના બાદ પણ વિઝા નહીં આવતા આખરે અમદાવાદની કંપનીના સંચાલક દ્વારા સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુપીના વરુણકુમારની ધરપકડ કરી છે. અમદાવાદની કંપની દ્વારા મોકલેલી ફાઈલો માટે વર્ક પરમિટ વિઝા નહીં આવતા સંચાલકોએ વરુણકુમારનો સંપર્ક કર્યો હતો અને વરુણ કુમારે ન્યૂઝીલેન્ડની આઠ જેટલી ફાઈલ માટેના વર્ક પરમીટ વિઝા મોકલ્યા હતા.
કન્સલ્ટન્સીના વરુણકુમારની ધરપકડ કરી છે
જોકે આ વર્ક પરમિટ વિઝા નકલી હોવાનું ધ્યાને આવતા ફરીથી વરુણકુમારને તેના એક કરોડથી વધુની રકમ પરત આપવાની માંગણી કરી હતી અથવા તો તમામ ફાઈલોના ઓરીજનલ વિઝા માટે દબાણ કર્યું હતું. જેથી વરુણકુમાર દ્વારા ૨૦ લાખ રૂપિયા જેવી રકમ પરત અપાઈ હતી અને બાકીના રૂપિયા આજ સુધી પરત નહીં આપતા આખરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. હાલ તો સેટેલાઈટ પોલીસે યુપીની વિસ્ટોરી કન્સલ્ટન્સીના વરુણકુમારની ધરપકડ કરી મહેક કુમારી અને પૂજા સિંગની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે કે આ કંપની દ્વારા અન્ય કોઈ લોકો સાથે વર્ક પરમિટ ના નામે છેતરપિંડી કરી છે કે કેમ. કારણ કે આરોપી દેશભરના અન્ય એજન્ટો સાથે સંકળાઈનેે વિઝાનુ કામ કરતો હતો. માટે અન્ય ભોગ બનનાર લોકો પણ પોલીસ તપાસમાં સામે આવી શકે છે, જેથી પોલીસે આરોપીના બેંક અકાઉન્ટના વ્યવ્હારો અંગે પણ તપાસ કરી છે. જેથી વધુ કાર્યવાહી થઈ શકે.
What's Your Reaction?






