Ahmedabad News : ગુજરાતમાં 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત દેશના 611 જિલ્લાઓમાં 32 લાખ વોટર સ્ટ્રક્ચર ઊભા કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત 'જળક્રાંતિ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મનસુખભાઈની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમના અવિરત પ્રયાસોને કારણે સમાજને પાણીના મહત્ત્વ વિશે જાણકારી મળી અને જાગૃતતા આવી. મનસુખભાઈએ છેલ્લા 28 વર્ષથી વ્યાવસાયિક પ્રવૃતિને બદલે જળસંચયને મહત્ત્વ આપ્યું તે અભિનંદનને પાત્ર છે, તેવું મંત્રીએ જણાવ્યું હતું.
'નલ સે જલ' અભિયાન થકી છેવાડાના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું
સી.આર પાટીલે 'જળક્રાંતિ'ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ જળ અંગેનો માત્ર ગ્રંથ નથી, પરંતુ ગીતા છે. મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તેવા ઉદ્દેશથી 'કેચ ધ રેઇન' અને 'રેઇન વોટર હાર્વેસ્ટિંગ' અભિયાન શરૂ કરાવ્યું. આ ઉપરાંત 'નલ સે જલ' અભિયાન થકી છેવાડાના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું છે. વડાપ્રધાનની 'કેચ ધ રેઇન' પહેલ થકી 33 રાજ્યોના 611 જિલ્લાઓમાં 32 લાખ વોટર સ્ટ્રક્ચર 8 મહિનામાં ઊભા થયા છે, એ નોંધપાત્ર સિધ્ધિ છે તેવું મંત્રીએ જણાવ્યું હતું.
મનસુખભાઈએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જળક્રાંતિ ક્ષેત્રે કરેલા ભગીરથ કાર્યને મંત્રીએ બિરદાવી હતી
તેમણે ઉપસ્થિત સૌ લોકોને પાણી બચાવવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રીની પ્રશંસા કરતા કહ્યુ કે, મુખ્યમંત્રીએ દરેક ધારાસભ્યને ગ્રાન્ટમાં વધારાના 50 લાખ રૂપિયા ફ્કત રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે ફાળવ્યા છે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મનસુખભાઈના આ કાર્યને અભિનંદન આપતા જણાવ્યું કે, જે-તે સમયે સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સમસ્યા હતી ત્યારે મનસુખભાઈએ જળક્રાંતિની આ ઝુંબેશ શરૂ કરી લોકોને જાગૃત કર્યા હતા. મનસુખભાઈએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જળક્રાંતિ ક્ષેત્રે કરેલા ભગીરથ કાર્યને મંત્રીએ બિરદાવી હતી.
ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના સફળ છે
વધુમાં તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળશક્તિ મંત્રી સી.આર પાટીલ દ્વારા જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉતમ કાર્ય કરાઈ રહ્યું છે. 'કેચ ધ રેઇન' જેવા પ્રોજેક્ટના અમલીકરણથી વરસાદી પાણીના સંગ્રહ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તેવું મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યુ કે, આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના, સૌની યોજના જેવી યોજનાઓ થકી રાજ્યમાં જળક્ષેત્ર સમૃદ્ધ થયું છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે, જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સમાજને જળના મહત્ત્વ વિશે સમજાવી જાગૃત કરવાનું કાર્ય કર્યું છે તે અભિનંદનને પાત્ર છે. વધુમાં તેમણે જણાવ્યું જે, કેન્દ્ર સરકાર દ્વારા 'નલ સે જલ' થકી છેવાડાના લોકો સુધી પીવાનું પાણી પહોંચાડ્યું છે.
દાનવીરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા, અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ વગેરે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, મુકેશભાઈ પટેલ, રાજકીય અગ્રણી ગોરધનભાઈ ઝડફિયા, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, મુનિ સત્યજીતજી વેદાચાર્ય, ગગજીભાઈ સુતરીયા, ભરતભાઈ બોધરા તથા સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, દાનવીરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






