Ahmedabad: દિવાળી વેકેશન બાદ ગુજરાતના બજારોમાં ફરી રોનક! લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપાર-ધંધાના શ્રીગણેશ

Nov 14, 2026 - 10:00
Ahmedabad: દિવાળી વેકેશન બાદ ગુજરાતના બજારોમાં ફરી રોનક! લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપાર-ધંધાના શ્રીગણેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ આજે લાભ પાંચમના અત્યંત શુભ પર્વે સમગ્ર ગુજરાતના બજારો અને માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ધમધમતા થયા છે. વેપારી આલમ માટે નવા વર્ષના કામકાજની શરૂઆત કરવા માટે લાભ પાંચમનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના અને ચોપડા પૂજન કરીને પોતાના ધંધા-રોજગારના નવા શ્રીગણેશ કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તહેવારની રજાઓને કારણે સુમસામ ભાસતા બજારોમાં આજે ફરી ઉમંગ અને રોનક જોવા મળી રહી છે, અને નવા વર્ષમાં તેજીની નવી આશા સાથે વેપારીઓ તેમજ ખેડૂતો કામકાજ પર પરત ફર્યા છે.

રાજ્યના મુખ્ય શહેરોના બજારોમાં જામી રોનક

મેગાસિટી અમદાવાદના સૌથી જૂના અને વ્યસ્ત ગણાતા રતનપોળ, લાલ દરવાજા સહિતના મુખ્ય બજારોમાં આજે વહેલી સવારથી જ વેપારીઓએ દુકાનો ખોલીને વિધિવત પૂજા સાથે વેપાર શરૂ કર્યો છે. બજારોમાં ફરી એકવાર રોનક અને ઉમંગનો માહોલ છવાયો છે. સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિદ્ધ મંગળબજાર સહિતના વિસ્તારોમાં દિવાળીની રજાઓ બાદ દુકાનો ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. દુકાનદારો ધંધા-રોજગાર પર પરત ફરતા સુમસામ બજારોમાં ફરી ધમધમાટ અને ગ્રાહકોની ભીડ વધવાની વેપારીઓને પૂરી આશા છે.

રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ

શહેરી બજારોની સાથે સાથે સૌરાષ્ટ્રના અગ્રણી માર્કેટિંગ યાર્ડ (APMC) પણ આજે ફરી ધમધમતા થયા છે. સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરાયેલી એક સપ્તાહની રજાઓ બાદ ફરી શરૂ થયું છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓની ખરીદ-વેચાણની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ લાભ પાંચમના શુભ મુહૂર્તે હરાજી અને સોદા શરૂ થયા છે. યાર્ડમાં ઘઉં, મગફળી, સોયાબીન અને તલ સહિતની જણસીઓની નોંધપાત્ર આવક નોંધાઈ છે, જેમાં મગફળીના ભાવ 1500 થી 1700 રૂપિયા સુધી બોલાયા છે. સારા ભાવની આશા સાથે ખેડૂતો વહેલી સવારથી જ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં નવા વર્ષના વેપારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Rajkot: એસટી ડિવિઝનને ફળ્યું દિવાળી વેકેશન, પાંચ દિવસમાં 8,653 ટ્રીપ હાઉસફૂલ થતાં 3.43 કરોડની તોતિંગ કમાણી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0