શહેરના ચાંદખેડા વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડીંગના 14માં માળેથી ઝંપલાવી યુવતીએ આત્મહત્યા કરી હતી. જે મામલે ચાંદખેડા પોલીસએ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. યુવતીના પ્રેમીની પોલીસએ ધરપકડ કરી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીનો તેના પ્રેમી સાથે અંગતપળોનો વીડિયો હતો. જે વીડિયો હાર્દિક રબારી નામના યુવકએ પણ મેળવી લીધો હતો. તેણે યુવતીને બોલાવી આ વીડિયો બતાવ્યો હતો. ત્યારબાદ યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. અંતે તેણે આત્મહત્યા કરી લીધી હતી. જેને લઇને પોલીસએ હાર્દિક રબારીની પણ ધરપકડ કરી છે.
14માં માળેથી ઝંપલાવી યુવતીએ આત્મહત્યા કેસ
હાર્દીક રબારીની પૂછપરછમાં સામે આવ્યું છે કે થાર ગાડીની લે વેચમાં રૂપીયાની લેતી દેતીમાં તેની મુલાકાત મોહીત સાથે થઇ હતી. જ્યારે મોહીત, હાર્દીક અને તેના મિત્રો રૂબરૂ મળ્યા ત્યારે તેણે આ વીડિયો તેના મિત્રએ આપ્યો હતો. જો કે હાર્દીકએ હકીકતમાં આ વીડિયો કેવી રીતે અને કોની પાસેથી મેળવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. વીડિયો મેળવ્યા બાદ હાર્દીકએ યુવતીને મળવા માટે બોલાવી હતી. જો કે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે 3જી જુલાઇના દિવસે હાર્દિકએ સતત યુવતી સાતે વોટ્સઅપ પર ચેટિંગ કર્યું હતું. પરંતુ હાર્દિકએ તેના મોબાઇલમાંથી આ ચેટિંગ ડીલીટ કરી દીધું છે. એટલે તેણે શું વાતચીત કરી તે તપાસનો વિષય છે. હાર્દિકએ યુવતી પાસે કોઇ માંગ કરી હતી કે કેમ તે અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
હાર્દીક રબારીની ધરપકડ કરી
હાલમાં પોલીસએ હાર્દિકનો મોબાઇલ ફોન એફ એસ એલમાં મોકલી આપ્યો છે. એફ એસ એલની તપાસ બાદ જ હકીકત સામે આવશે કે હાર્દિક અને યુવતી વચ્ચે શું વાતચીત થઇ હતી. જો કે બીજી તરફ હાર્દિક પાસે આ વીડિયો કેવી રીતે પહોચ્યો તેની પણ પોલીસએ તપાસ શરૂ કરી છે. જ્યારે આ ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ અને યુવતીની આત્મહત્યા કરવા પાછળનું હકીકતનું કારણ શું છે એ પોલીસ તપાસ બાદ સામે આવશે.