Agriculture : ઘઉંના ઉભા પાકમાં વાવણી બાદ લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં બાબતે ખેડૂતોને માહીતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે મુજબ મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું
ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫% (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ. (૫ ઇ.સી.) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
કીટનાશકનો ડબ્બો ગોઠવવો પણ જરૂરી
વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ફ્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૫ લિટર પાણીમાં મિશ્ર કરીને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવું પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.
જિલ્લા ખેતીવાડી અધિકારીનો પણ કરી શકાશે સંપર્ક
ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો.ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ 0.3 જીઆર હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
What's Your Reaction?






