પોલીસની કામગીરી પણ જબરી હોય છે બોસ, 24 કલાક અને 365 દિવસ સતત સુરક્ષાને લઈ સતર્ક રહેતા આ વિભાગની જોબ થેન્કલેસ ગણવામાં આવે તો કોઈ નવાઈ નથી. આ જ વિભાગ ક્ચારેક નામના અપાવે છે, નામના લે છે અને ક્ચારેક લાલચુ અને ઢીલા ગજવાના ખાખી વર્દીધારીઓ તેને લજવી પણ નાખે છે. ચાલો આ વીકમાં હવે પોલીસનીએ બધી વાત કે જે સામાન્ય જનતા સુધી ઓછી પોંહચે અને પોંહચી ગઈ હોય તો વચેટિયાઓ તેને ઠેકાણે પાડવા માટે દિવસ રાત એક કરી નાખે છે.
વહિટદાર નવિનના સિતારા ચાંદ પર !
વહિવટદાર નવિનને પોલીસ અધિકારીની બદલી ના થતા એમ પણ હાશકારો હતો અને બાકી હતું તેમ ડેપ્યુટી કક્ષાએ પણ તેનો વહિવટ ફાળવી દેવામાં આવતા તેમા માટે એમ કહેવાય કે મહેનતના નામે તેના નસીબમાં ચાંદ ખેડવાનું લખ્યું છે અને સિતારા તો પહેલેથી જ ચાંદ પર ચાલી રહ્યા છે. હમણાં ઉચ્ચ સ્તરેથી બેનંબરી અને દારૂના ધંધા પર જોરદાર બ્રેક મારી દેવામાં આવી છે તે વચ્ચે નવિનનું શું કરવું તેની ચર્ચા વહિવટદારોમાં ચાલી રહી છે અને શહેરના વિકસિત એવા આ વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામો પર અને જમીનના ચક્કરમાં નવિન ખેલ પાડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે ડેપ્યુટી કક્ષાએ પણ વહિવટની લહાણી કેટલાને બખ્ખા કરાવે છે તે જોવાનું રહે છે. જો કે જાણકારોનું માનવું છે કે નવા ડીજીના જાહેરાત વચ્ચે આ ભાઈના પાટિયા K કંપનીમાં લાગી જવાના છે. નોકરીની જગ્યાએ માત્ર વહિવટ પર આશા રાખીને બેઠેલા કર્મીઓ પર જલ્દીથી શિસ્તની તલવાર વીંઝાશે એ નક્કી છે.
લો બોલો પોલીસ અધિકારી કોર્ટ રૂમમાં સર્વિસ રિવોલ્વર સાથે પહોંચી ગયા !
એક PI કોર્ટમાં હથિયાર લઈને પહોંચ્યા અને જજે હસતા-હસતા કહ્યું, કોર્ટમાં કેમ હથિયાર લઈને આવવું પડયું ભાઈ? આમ તો કોર્ટમાં જયારે અધિકારી અથવા પોલીસ કોન્સ્ટેબલ જયારે આરોપીને રજૂ કરતા હોય છે ત્યારે ઘણીવાર જજ અલગ-અલગ સવાલો પણ કરતા હોય છે અને પૂછપરછ પણ કરતા હોય છે. અમદાવાદના એક પીઆઈ કોર્ટમાં હથિયાર સાથે જાય છે, ત્યારે જજે હળવા અંદાજમાં પૂછયું કે, કોર્ટમાં કેમ હથિયાર લઈને આવ્યા છો ? ત્યારે પીઆઈએ પણ હળવા મૂડમાં કહ્યું કે, હું પીઆઈ છુ અને મને હથિયાર સરકારે ફાળવ્યું છે, આ મારૂ ખાનગી હથિયાર નથી, તો જજ પણ વાત સાંભળીને હસવા લાગ્યા હતા.
ટ્રાફિક વિભાગ નિદ્રામાં છે કે શું ? બે લોકોના મોત થયા અને ડમ્પર ચાલકો હજી પણ બેફામ છે
અમદાવાદ શહેરમાં વારંવાર ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર ચલાવીને અકસ્માત સર્જતા હોય છે અને તે અકસ્માતમાં હજારો લોકોના મોત થયા છે, તાજેતરમાં જ એક ડમ્પર ચાલકે શહેરમાં બે મહિલાઓના જીવ લીધા છે, અમદાવાદનું ટ્રાફિક વિભાગ નિંદ્રામાં છે કે શું તે જ સમજ નથી પડતી, બેફામ દોડતા ડમ્પરો પાસે પરમિશન છે કે નહી તે જોવાનું અધિકારીઓ તસ્દી જ લેતા નથી અને એસી ચેમ્બરમાંથી બહાર આવે તો એમને પણ ખબર પડે કે આ બેફામ ડમ્પરો કેવા દોડી રહ્યા છે, ડમ્પરોને બહાર નિકળવાનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે ડમ્પરને લઈને તે ચાલકો અને તેના માલિકો સમયનું પાલન કરતા નથી જેના કારણે લોકોના જીવ જઈ રહ્યાં છે, ત્યારે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ જરા બહાર ડોકું કાઢો અને આવા બેફામ દોડતા ડમ્પર ચાલકો અને તેમના માલિક સામે ગુનો નોંધો તે જરૂરી બન્યું છે, નરોડામાં થોડા સમય અગાઉ જ અકસ્માત થયો હતો અને તેમાં બે મહિલાના જીવ ગયા છે.
સોશિયલ મિડીયામાં એકટીવ રહેતા PIને વિદાય આપતા વહિવટદારો રડી પડયા
નદી કિનારે આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી આવી અને તેમને સારૂ પોલીસ સ્ટેશન પણ મળ્યું છે, ત્યારે પોલીસ ઈન્સપેકટરોની બદલી આવતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને ફૂલોથી નવા પીઆઈનું સ્વાગત કરાયું અને જુના પીઆઈને વિદાય અપાઈ હતી, ઘણા એવા કિસ્સા સોશિયલ મીડિયામાં જોયા કે, ઘણા પોલીસ અધિકારીની બદલી થતા રડી પડ્યા હતા, પરંતુ નદી કિનારે આવેલા એક પોલીસ મથકના પીઆઈની બદલી થતા પોલીસ બેડામાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, હવે વન વગડે ગોપીઓ સુની પડી ગઈ છે અને વહિવટદાર સહિત પીઆઈ હવે લીમડાના છાયે લઈ ગયા છે.
વિશ્વમાં શહેરોની સલામતી માટે રેન્કિંગ જાહેર કરતી સંસ્થા- ન્યુમ્બિયોએ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યું છે
તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ શહેરને સ્વચ્છતા અને સલામતી માટે વખાણ્યું. આ માટે ચોક્કસ આધાર છે. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અને સલામતીમાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. વિશ્વમાં શહેરોની સલામતી માટે રેન્કિંગ જાહેર કરતી સંસ્થા- ન્યુમ્બિયો (Numbeo)એ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યું છે. અમદાવાદમાં ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવાનો દર 95%ને પાર કરી ચૂક્યો છે અને આ પૈકી 4000 કેમેરા 'સેફ સિટી' અને 'નિર્ભયા' પ્રોજેક્ટ અંતર્ગત સીધા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમની નજર હેઠળ છે બાકીના 21,000 CCTV કેમેરા સ્થાનિક વેપારીઓ, રહેણાંક સોસાયટીઓ અને જાગૃત નાગરિકોની ભાગીદારીથી લગાવવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત ન્યુમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર, અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે.