રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે પડેલ ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, લોધીકા તાલુકાના તરવડા અને હરીપર ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે મગફળી, કપાસ, સોયાબીન સહિતના ખરીફ પાકમાં નુકસાન થયું છે તો શિયાળુ પાક જીરું અને ચણામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર દ્વારા કેટલી અને ક્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેની કોઈ જાહેરાત નહીં.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ આ વર્ષે નુકસાન
સોરઠ પંથકમાં અનેક ગામડાઓમાં કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયેલા પાકના સરવેને લઈ ભારે આક્રોશ ભભૂકવાની સાથે અનેક ખેડૂતો દ્વારા સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે જે પાક પલળી ગયો છે એનો સર્વેમાં સમાવેશ ન કરાતાં ભારે રોષ ફેલાયો છે. સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે સરવે કરવા આવેલી ટીમે જણાવ્યું કે. હાલ તો સરકાર દ્વારા ૨૫ તારીખ પછી પડેલા કમોસમી વરસાદને લઈ જે નુકસાન થયું છે તેનો સરવેકરવા જણાવ્યું છે. એ સાંભળીને ખેડૂતો રોષે ભરાયા હતા.
ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરવેનો ખુલ્લો બહિષ્કાર કરવામાં આવ્યો હતો
સર્વેમાં તમામ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે અને વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. ડોળાસા નજીકના બોડીદર ગામે તાગ મેળવવા સરવે ટીમ આવી હતી. પણ સરકારી મદદ દરેકને ચૂકવવાની માગ સાથે ઉગ વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતની લેખિત અને સમસ્ત ખેડૂતોની મૌખિક રજૂઆત લઈ સર્વે ટીમ તાલુકા મથક ગીર ગઢડા પરત ફરી હતી.
ગુજરાતના ખેડૂતોની હાલત વરસાદે બગાડી નાખી છે
ઉનામાં સુલતાનપુર કાણકબરડા, રામેશ્વર, સામતેર, ઉમેજ, નાના સમઢીયાળા સહિના ગામના ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા પાક નિષ્ફળનું સરવે કરવા આવેલ અધિકારીઓને લેટરપેડ ઉપર લખીને આપ્યું અને તમામ ગ્રામજનો અને ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો હતો અને પેકેજ જાહેર કરીને તમામ ખેડૂતને સહાય મળવી જોઈએ એવી માગણી કરી હતી. તાલાલા તાલુકામાં સરવે કરવા ટીમ ગુંદરણ ગીર ગામે પહોંચી હતી ત્યારે ટીમના નોડલ અને બાગાયત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતમાં ગામના ખેડૂતોની મીટીંગ યોજાઇ હતી જેમાં ઉપસ્થિત ખેડૂતોએ જણાવ્યું હતું કે માવઠાએ ખરીફ પાકનું ખેદાન મેદાન કરી નાખ્યું છે.