Viramgam News: હાંસલપુર GIDCમાં વાયર બનાવવાના કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિકનું કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસે આવેલી ઔદ્યોગિક વસાહત હાંસલપુર જીઆઈડીસી (GIDC)માંથી શ્રમિકોની સુરક્ષાને લઈને ચિંતા ઉપજાવતી એક અત્યંત કરુણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. હાંસલપુર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી 'અમી એન્ટરપ્રાઇઝ' નામની વાયર બનાવતી કંપનીમાં ગત રોજ કામકાજ દરમિયાન એક શ્રમિક સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં ચાલુ મશીનરી પર કામ કરતી વખતે અચાનક શ્રમિક યુવકનો હાથ મશીનની અંદર આવી ગયો હતો, જેના કારણે તે ગંભીર રીતે ચગદાઈ ગયો હતો.
વિરમગામના સુરેશભાઈનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત
વાયર ખેંચવાના ભારેખમ મશીનમાં હાથ આવી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં યુવકને અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ તરફડીને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફેક્ટરીના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક મશીન બંધ કરીને લોહીલુહાણ હાલતમાં શ્રમિકને બહાર કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શ્રમિકની ઓળખ વિરમગામના ફૂલવાડી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય સુરેશભાઈ કાળુભાઈ ઠાકોર તરીકે થઈ છે. યુવાન વયના શ્રમિકના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વિરમગામ રૂરલ પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો
આ જીવલેણ ઔદ્યોગિક અકસ્માતની જાણ કારખાનાના સંચાલકો દ્વારા કરવામાં આવતા જ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરીને સુરેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાયદેસરની કાર્યવાહી અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વિરમગામ રૂરલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, કારખાનામાં શ્રમિકો માટે સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં અને ફેક્ટરી માલિકોની કોઈ બેદરકારી છે કે કેમ, તે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

